ગુટકા મામલે શાહરૂખ, અક્ષય, અજયને નોટિસ મોકલાઈ છેઃ કેન્દ્ર સરકાર (હાઈકોર્ટને)

અલાહાબાદઃ ગુટકાને લગતી જાહેરખબરના કેસમાં અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે કેન્દ્ર સરકારને અદાલતના તિરસ્કારની નોટિસ ફટકારી છે. તેનો સરકારે જવાબ આપ્યો છે અને જણાવ્યું છે કે તેણે ગુટકા ઉત્પાદન માટે જાહેરખબરમાં કામ કરવા બદલ બોલીવુડ અભિનેતાઓ શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને લીગલ નોટિસ મોકલી છે. સરકારના ધારાશાસ્ત્રીએ હાઈકોર્ટને કહ્યું કે આ જ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે તેથી હાઈકોર્ટે તેની સમક્ષ નોંધવામાં આવેલી પીટિશનને રદ કરવી જોઈએ.

દલીલ સાંભળ્યા બાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રાજેશસિંહ ચૌહાણની આગેવાની હેઠળની બેન્ચે આ મામલે સુનાવણી માટે આવતા વર્ષની 9 મે તારીખ નક્કી કરી છે. તેણે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે પીટિશન રદ કરાવવા માટે તે અરજદાર સાથે મળીને નક્કી કરે, કારણ કે એણે જ માગણી કરી છે કે ઉક્ત ત્રણ અભિનેતાઓ સામે કાનૂની પગલું ભરવામાં આવે જેઓ કેન્દ્ર સરકાર તરફથી પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવે છે અને સાથોસાથ, ગુટકા કંપનીઓ માટે જાહેરખબરોમાં કામ પણ કરે છે. ગઈ 22 ઓક્ટોબરે અરજદારે હાઈકોર્ટને કહ્યું હતું કે પોતાના કેસમાં હજી સુધી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. તેથી હાઈકોર્ટે કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરીને નોટિસ મોકલી હતી. સરકાર વતી હાજર થયેલા નાયબ સોલિસીટર જનરલ એસ.બી. પાંડેએ હાઈકોર્ટના ન્યાયાધીશોને કહ્યું હતું કે સરકારે અમિતાભ બચ્ચનને પણ ગુટકાની જાહેરખબરમાં કામ કરવા બદલ નોટિસ મોકલી હતી. એમણે કહ્યું કે પોતે કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે તે છતાં ટીવી પર હજી તેની જાહેરખબર બતાવવામાં આવે છે.