મુંબઈ/લંડનઃ હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોના પીઢ અભિનેતા સતિષ શાહને હાલમાં જ લંડનની મુલાકાત દરમિયાન હીથ્રો એરપોર્ટ પર એક જાતિવાદી કમેન્ટનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એનો તેમણે વળતો જવાબ ફટકાર્યો હતો. આની જાણકારી શાહે ટ્વિટરના માધ્યમથી આપી છે. એમણે લખ્યું છે, ‘હું જ્યારે હીથ્રો એરપોર્ટ પર હતો ત્યારે સ્ટાફના એક જણને એના સાથીને એવો સવાલ પૂછતા સાંભળ્યો હતો કે ‘ભારતીયોને ફ્લાઈટ્સમાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ ખરીદવાનું કઈ રીતે પરવડે છે?’ ત્યારે મેં એમને ગર્વસભર સ્મિત કરીને કહ્યું હતું, ‘કારણ કે અમે ભારતીયો છીએ.”
સતિષ શાહના આ જવાબથી નેટયૂઝર્સ એમની પર એકદમ ખુશ થઈ ગયા છે. શાહના હાજરજવાબીપણાની અને વિનોદી પ્રતિભાવની પ્રશંસા કરી રહ્યા છે.
એક યૂઝરે લખ્યું છે, ‘વાહ સરસ સાહેબ. અમને તમારી પર ગર્વ થયો છે. દુનિયાને એ બતાવી દેવાનો સમય આવી ગયો છે કે આપણે દુનિયામાં પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવીએ છીએ તેથી દરેક ક્ષેત્રમાં સર્વોત્તમ વ્યવહારને માટે પાત્ર છીએ.’
સતિષ શાહ અત્યાર સુધીમાં અઢીસોથી વધારે ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે. દૂરદર્શન પરની સિરિયલ ‘યે જો હૈ ઝિંદગી’ અન્ય સિરિયલ ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ તેમજ ‘હમ આપકે હૈં કૌન’, ‘મૈં હૂં ના’, ‘કલ હો ના હો’, ‘ભૂતનાથ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘હિરો નંબર 1’ જેવી ફિલ્મોમાં કરેલા અભિનય માટે તેઓ જાણીતા છે.
I replied with a proud smile “because we are Indians” after I overheard the Heathrow staff wonderingly asking his mate”how can they afford 1st class?”
— satish shah🇮🇳 (@sats45) January 2, 2023