સતીશ કૌશિકનું મૃત્યુ હત્યા હોવાનો આરોપઃ પોલીસ-તપાસ શરૂ

નવી દિલ્હીઃ જાણીતા બોલીવુડ અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકનું ગઈ 9 માર્ચે 66 વર્ષની વયે હરિયાણાના ગુરુગ્રામમાં દિલ્હીનિવાસી એક ઉદ્યોગપતિના ફાર્મહાઉસમાં નિધન થયું હતું. હવે કૌશિકના મૃત્યુની ઘટનામાં એક નવો ચોંકાવનારો વળાંક આવ્યો છે. એક મહિલા એવો આક્ષેપ કર્યો છે કે એનાં પતિ, જે કૌશિકના મિત્ર હતા, તેમણે રૂ. 15 કરોડની રકમ માટે કૌશિકની હત્યા કરાવી છે. તે મહિલા એ જ ઉદ્યોગપતિ (વિકાસ માલુ)ની પત્ની છે જેના ફાર્મહાઉસમાં હોળીની પાર્ટી દરમિયાન કૌશિકનું નિધન થયું હતું. પોલીસે અગાઉ એમ કહ્યું હતું કે ફોર્ટિસ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા મુજબ, કૌશિકનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. પરંતુ હવે વિકાસ માલુની પત્નીનાં આરોપને પગલે દિલ્હી પોલીસે કહ્યું છે કે તેણે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

મહિલાએ દિલ્હી પોલીસ કમિશનર કાર્યાલયમાં નોંધાવેલી ફરિયાદમાં એવો દાવો કર્યો છે કે એનાં પતિ વિકાસે દુબઈમાં એક ઈન્વેસ્ટમેન્ટ હેતુસર કૌશિક પાસેથી રૂ. 15 કરોડ લીધા હતા. કૌશિક તે રકમ પાછી માગતા હતા, પણ વિકાસ તે પૈસા પાછા આપવા ઈચ્છતો નહોતો એટલે કૌશિકને અમુક દવાની ગોળીઓ ખવડાવીને એમની હત્યા કરાવી દીધી હતી. તે ગોળીઓની વ્યવસ્થા વિકાસે જ કરી હતી. પોલીસે મેલી રમતના આ આરોપમાં તપાસ આદરી છે. તે પાર્ટીમાં હાજર રહેલા તમામ લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે. નિવેદન નોંધાવવા માટે પોલીસ તે મહિલાને બોલાવશે.

પોલીસે અગાઉ એમ કહ્યું હતું કે ફાર્મહાઉસમાંથી અમુક દવા મળી આવી હતી, પરંતુ ઘટનાસ્થળેથી કે કૌશિકની રૂમમાંથી બીજી કોઈ શંકાસ્પદ ચીજ મળી આવી નહોતી. તેથી કૌશિકના મૃત્યુમાં કોઈ મેલી રમત રમાઈ હોવાની એમને શંકા નથી. પોસ્ટ-મોર્ટમના અહેવાલ મુજબ, કૌશિકનું મૃત્યુનું પ્રાથમિક કારણ કોરોનરી આર્ટેરી બ્લોકેજને કારણે હૃદય બંધ પડી જવાનું હોવાનું નિશ્ચિત થયું છે, જેથી મૃત્યુ કુદરતી પ્રકારનું હોવાનું જણાયું છે.

કૌશિકને કારમાં હોસ્પિટલમાં લઈ જવાતા હતા ત્યારે કારમાં એમને હૃદયરોગનો પ્રચંડ હુમલો આવ્યો હતો અને એમણે આખરી શ્વાસ લીધો હતો. એ વખતે તેઓ ફાર્મહાઉસમાં હતા અને એમણે તેમના મેનેજરને બોલાવ્યા હતા અને પોતાને બેચેની લાગતી હોવાની ફરિયાદ કરી હતી. એમણે પોતાને હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું, પણ કારમાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા.

મુંબઈનિવાસી કૌશિકના પરિવારમાં એમના પત્ની શશી અને 10 વર્ષની પુત્રી વંશિકા છે. ગયા ગુરુવારે સાંજે મુંબઈમાં કૌશિકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]