મુંબઈ – પીઢ અભિનેત્રી સારિકા હવે રંગભૂમિનાં નિર્માત્રી બની ગયાં છે. તેઓ સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઈરા ખાનનાં એક અંગ્રેજી નાટકનું નિર્માણ કરવાનાં છે.
સારિકા ઠાકુર, જે કમલ હાસનનાં ભૂતપૂર્વ પત્ની છે, એમણે ‘નૌટંકીSa પ્રોડક્શન્સ’ નામે પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી છે. આમાં એમની સાથે એમનાં મિત્ર સચીન કામાની તથા નાની પુત્રી અક્ષરા પણ જોડાયાં છે.
સારિકાએ એક હિન્દી નાટક બનાવવાનું શરૂ કર્યું છે અને હવે તે ઈરા ખાનનાં દિગ્દર્શન હેઠળ બનનારાં અંગ્રેજી નાટક ‘Euripides’ Medea’નું નિર્માણ કરવાનાં છે.
ઈરાની ઈચ્છા હતી કે સારિકા એનાં નાટકમાં એક્ટિંગ કરે, પણ સારિકાએ નિર્માત્રી તરીકે જોડાવાનું પસંદ કર્યું છે.
સારિકાએ કહ્યું કે, ઈરા મારી પુત્રી જેવી છે. એણે મને એનાં નાટકમાં ભૂમિકા ભજવવાની ઓફર કરી હતી, પણ મારે એક્ટિંગ કરવી નથી એટલે મેં એને નાટકને પ્રોડ્યુસ કરવાની ઓફર કરી હતી. એ તૈયાર થઈ હતી અને મને એનાં નાટકમાં સહભાગી થવાનો આનંદ છે. નાટક વિશેની એનું દૂરંદેશીપણું જોઈને હું પ્રભાવિત થઈ છું. મને આશા છે કે ડાયરેક્ટર તરીકે એ સફળ થશે.
22 વર્ષની ઈરા ખાન આમિર ખાન અને રીના દત્તાની પુત્રી છે. આમિર અને રીનાએ છૂટાછેડા લીધાં છે.
સારિકા છેલ્લે 2016માં ક્લબ 60 ફિલ્મમાં જોવા મળ્યાં હતાં અને ત્યારપછી એમણે એક્ટિંગ કરવાનું બંધ કરી દીધું છે.
સારિકાએ અભિનેતા કમલ હાસન સાથે 1988માં લગ્ન કર્યા હતા, પણ 2004માં છૂટાછેડા લીધાં હતાં. સારિકાને બે પુત્રી છે – શ્રુતિ અને અક્ષરા. શ્રુતિ દક્ષિણ ભારતની ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે.