‘અતરંગી રે’માં મારું-પાત્ર ‘સૈરાટ’ની-રિંકુ જેવું વિદ્રોહી-નથીઃ સારા અલી

મુંબઈઃ યુવા અભિનેત્રી સારા અલી ખાન હાલ તેની આગામી નવી હિન્દી ફિલ્મ ‘અતરંગી રે’ના પ્રચારમાં વ્યસ્ત છે. હાલમાં જ એ મદુરાઈ ગઈ હતી. ત્યાં પત્રકારો સાથેની વાતચીતમાં એણે કહ્યું કે, ‘મારી કારકિર્દીની પહેલી ફિલ્મ કેદારનાથ રિલીઝ થયાને માંડ દસ દિવસ થયા હશે અને મને દિગ્દર્શક આનંદ એલ. રાય તરફથી ‘અતરંગી રે’ની મુખ્ય ભૂમિકાની ઓફર આવી હતી. હું બહુ જ ખુશ થઈ હતી. ‘અતરંગી રે’માં મારું પાત્ર ‘રિંકુ’ છોકરીનું છે, જે અંતર્મુખી સ્વભાવની છે. પરંતુ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની રિંકુ જેવી આ રિંકુ વિદ્રોહી પ્રકારની નથી. આ રિંકુનો પરિવાર એને ખૂબ જ સહાય કરનારો છે.’

સારા અલીએ કહ્યું કે, ‘‘અતરંગી રે’ ફિલ્મનું શૂટિંગ વારાણસીમાં કરવામાં આવ્યું હતું. ત્યાંનું રોકાણ મને જિંદગીભર યાદ રહી જશે. બનારસ બહુ જ સુંદર શહેર છે. હું રોજ સવારે શૂટિંગ માટે પ્રવાસ કરતી હતી ત્યારે રસ્તામાં હરિયાળા ખેતરો જોતી રહેતી. જ્યારે પણ મને સમય મળતો ત્યારે હું ગંગા આરતી કરવા જતી. હું કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પણ ગઈ હતી. મદુરાઈ પણ અદ્દભુત શહેર છે. અહીંનું ભોજન મને બહુ જ ભાવ્યું. ખાસ કરીને ઈડલી ખાવાની મજા આવી ગઈ.’

‘અતરંગી રે’માં સારા અલી ખાનની સાથે અક્ષય કુમાર અને ધનુષની પણ મુખ્ય ભૂમિકા છે. ફિલ્મ આવતી 24 ડિસેમ્બરે ડિઝની+હોટસ્ટાર પર રિલીઝ કરાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]