શિવકુમાર શર્માના સંગીતે પાંચ-ફિલ્મોના ગીતોને હિટ બનાવ્યા

જમ્મુઃ પદ્મવિભૂષણ ખિતાબથી સમ્માનિત સંતૂરવાદક અને સંગીતકાર પંડિત શિવકુમાર શર્મા (84) હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. એમને છેલ્લા પાંચ-છ મહિનાથી કિડનીની તકલીફ હતી. જમ્મુમાં જન્મેલા શિવકુમારે જમ્મુના લોકવાદ્ય સંતૂરને દેશ-દુનિયામાં શાસ્ત્રીય ભારતીય વાદ્ય તરીકે વિખ્યાત કર્યું છે અને આ રીતે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રને અમૂલ્ય પ્રદાન કર્યું છે. શિવકુમારના માતા ઉમાદત્ત શર્મા કંઠ્યગાયિકા હતાં. શિવકુમાર માત્ર પાંચ વર્ષની ઉંમરેથી જ એમના માતા પાસેથી કંઠ્યગાન અને પિતા પાસેથી તબલા વગાડવાનું શીખ્યા હતા. 13 વર્ષની ઉંમરેથી એમણે સંતૂર વગાડવાનું શરૂ કર્યું હતું. સંતૂરવાદક તરીકે એમનો પહેલો જાહેર પરફોર્મન્સ 1995માં મુંબઈમાં યોજાયો હતો.

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં શિવકુમારનું ઘણું પ્રદાન રહ્યું છે. 1956માં એમણે ‘જનક જનક પાયલ બાજે’ ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સંગીત આપ્યું હતું. એમણે વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને ‘શિવ-હરિ’ સંગીતબેલડી તરીકે પાંચ હિન્દી ફિલ્મમાં સંગીત પીરસ્યું હતું અને તેના ગીત ખૂબ હિટ થયા છે. આ ફિલ્મો છેઃ ‘સિલસિલા’, ‘ડર’, ‘લમ્હે’, ‘ફાસલે’ અને ‘ચાંદની’. શિવ-હરિએ આ ઉપરાંત ‘વિજય’ (૧૯૮૮) અને ‘પરંપરા’ (૧૯૯૩) ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું.

પંડિત શિવકુમાર શર્મા સંતૂર એકબીજાના પર્યાય હતાઃ સ્નેહલ મુઝુમદાર

મુંબઈસ્થિત જાણીતા સંતૂરવાદક સ્નેહલ મઝૂમદારે પંડિત શિવકુમાર શર્માના નિધન અંગે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે. એમણે કહ્યું કે, પંડિત શિવકુમાર શર્મા અને સંતુર એકબીજાના પર્યાય હતા એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. કાશ્મીરના સૂફી સંગીત સાથે સંગત તરીકે વપરાતા લોકવાદ્યને શાસ્ત્રીય સંગીતના મંચ પર એક સ્વતંત્ર વાદ્ય તરીકે સ્થાપિત કરવાનો યશ સંપૂર્ણત઼ઃ શિવકુમાર શર્માને જાય છે. એક સજ્જ, સજ્જન અને સૌજન્યશીલ સંગીતકાર તરીકે એમની પ્રતિભા હતી. મીંડ અને ઠહરાવ જે વાદ્યની પ્રકૃતિમાં જોવા ન મળે એવા વાદ્યને શાસ્ત્રીય સંગીતના વાદ્ય તરીકે સ્વીકૃતિ અપાવવાનું લગભગ અશક્ય એવું કાર્ય એમણે કર્યુ અને સંતૂરને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકચાહના અપાવી. શત તન્ત્રી વીણાના આ સાધકને શત શત પ્રણામ.