મુંબઈઃ એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને નામે એક મોટી સફળતા હાંસલ કરી છે. RRR ફિલ્મ પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસાનો વરસાદ થઈ રહ્યો છે. નાટુ-નાટુ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતી ચૂકી છે. એ ફિલ્મને ઓસ્કર-2023માં પણ બેસ્ટ ઓરિજિનલ સ્કોર કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે. ફિલ્મના મુખ્ય કલાકાર જુનિયર એનટીઆર અને રામ ચરણ તેજાને 2023 માટે ક્રિટિક્સ ચોઇસ સુપર એવોર્ડ માટે સર્વશ્રેષ્ઠ એક્ટરની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યા છે. આ શ્રેણીમાં ટોમ ક્રૂઝ, નિકોલસ કેજ અને બ્રાડ પિટ જેવા હોલીવૂડના દિગ્ગજોની સામે સ્પર્ધા કરશે.
ટોમ ક્રૂઝને ટોપ ગનઃ મેવરિક માટે અને પિટને બુલેટ ટ્રેનમાં તેમની ભૂમિકા માટે નામાંકિત કરવામાં આવ્યા છે. બીજી બાજુ, નિકોલસ કેજને અનબેરેબલ વેટ ઓફ મેસિવ ટેલેન્ટમાં તેના દેખાવ માટે નામાંકિત કરવામાં આવી છે. આ ઉપરાંત RRR બેસ્ટ એક્શન મુવી શ્રેણીમાં ટોપ ગનઃ મેવરિક અને બુલેટ ટ્રેનની સામે હરીફાઈ કરી રહી છે, જ્યાં નોમિનેશનની ઘોષણા 23 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી.
આ સાથે ક્રિટિક્સ ચોઇસ સુપર એવોર્ડ્સના વિજેતાઓની ઘોષણા 16 માર્ચે કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે એ પહેલાં ભારતીય સમયાનુસાર 13 માર્ચે સવારે 5.30 કલાકે 95મા એકેડેમી એવોર્ડસની ઘોષણા થવાની છે. રામ ચરણ ઓસ્કાર એવોર્ડસ સેરેમની માટે પહેલાં અમેરિકા પહોંચી ચૂક્યો છે. આ ફિલ્મની મેગા સફળતા પર ટિપ્પણી કરતાં RRRના મુખ્ય એક્ટર રામ ચરણ તેજાએ જણાવ્યું હતું કે એ ભારતના રાજામૌલી ઉર્ફે સ્ટીવન સ્પીલબર્ગને સારા લેખનમાંનું એક છે. સુપરસ્ટારે રાજામૌલીના આંતરરાષ્ટ્રીય સિનેમામાં પ્રવેશ કરવાનો સંકેત આપ્યો હતો.