પ્રતિજ્ઞાના ‘ઠાકુર સજ્જન સિંહ’ અનુપમ શ્યામનું નિધન

મુંબઈઃ ટીવી અને બોલીવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ શ્યામ ઓઝાનું રવિવારે નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાય દિવસોથી મુંબઈની લાઇફલાઇન હોસ્પિટલમાં દાખલ હતા. તેમનાં શરીરનાં કેટલાંક અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું. તેઓ કિડનીની કેટલીક ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા હતા.

અનુપમ શ્યામને કિડનીની સમસ્યાને લીધે એક સપ્તાહ પહેલાં હોસ્પિટલના ICU વોર્ડમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની સ્થિતિ વધુ વણસી હતી. ગયા વર્ષે માર્ચમાં તેમની કિડની ફેઇલ થવાની માહિતી સામે આવી હતી. તેમની પાસે સારવાર માટે પણ પૈસા નહોતા બચ્યા.

અનુપમ શ્યામ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમના પરિવારજનોએ ટીવી અને બોલીવૂડ સહિત ફેન્સને મદદ કરવાની અપીલ કરી હતી, જે પછી કેટલાય સેલેબ્સે તેમની મદદ કરી હતી. આ વર્ષના માર્ચમાં તેમણે ફરી કામ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ સ્ટાર ભારત પર આવતી ‘मन की आवाजः प्रतिज्ञा 2’ માં કામ કરી રહ્યા હતા. આ સિરિયલમાં પૂજા ગૌર અને અરહાન બહેલ પણ લીડ રોલમાં છે.

‘मन की आवाजः प्रतिज्ञा’ ની પહેલી સીઝનથી તેમને લોકપ્રિયતા મળી હતી. એની પહેલી સીઝન વર્ષ 2009માં શરૂ થઈ હતી. આ શોમાં અનુપમ શ્યામ ઓઝાએ ઠાકુર સજ્જન સિંહની ભૂમિકા ભજવી હતી. સજ્જન સિંહની ભૂમિકા પહેલાં તેમણે કેટલીય ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેમણે વર્ષ 1992માં દૂરદર્શન પર આવતા શો ‘अमरावती की कहानियां’ માં અલગ-અલગ ભૂમિકા ભજવી હતી. એ પછી તેમણે બોલીવૂડમાં પગલાં માંડ્યાં હતાં. વર્ષ 1996માં આવેલી ફિલ્મ ‘દસ્તક’ તેમની ડેબ્યુ ફિલ્મ હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]