સુપ્રીમ કોર્ટે એક્તા કપૂરની ઝાટકણી કાઢી

નવી દિલ્હીઃ વેબ સીરિઝ ‘ XXX ‘માં વાંધાજનક સામગ્રી દર્શાવવા બદલ નિર્માત્રી એક્તા કપૂરની આજે સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. ન્યાયમૂર્તિઓ અજય રસ્તોગી અને સી.ટી. રવિકુમારની બેન્ચે જણાવ્યું હતું કે, ‘કંઈક તો કરવું પડશે. તમે લોકો આપણા દેશનાં યુવા લોકોનું મગજ દૂષિત કરી રહ્યાં છો.’ OTT (ઓવર ધ ટોપ) સામગ્રી બધાં લોકોને ઉપલબ્ધ હોય છે એની નોંધ લઈને ન્યાયાધીશોએ એક્તાનાં ધારાશાસ્ત્રી મુકુલ રોહતગીને સવાલ કર્યો હતો કે, ‘તમે લોકોને કયા પ્રકારના વિકલ્પ આપો છો?’

એડવોકેટ રોહતગીએ કહ્યું હતું કે સામગ્રી સબસ્ક્રીપ્શન આધારિત હોય છે. સુપ્રીમ કોર્ટે જ અગાઉ એકતા કપૂરને રક્ષણ આપ્યું છે. દેશમાં પસંદગીની આઝાદી છે. ત્યારે ન્યાયાધીશોએ કહ્યું, તમે દર વખતે સુપ્રીમ કોર્ટમાં પીટિશન નોંધાવો એને અમે ઉચિત ગણતા નથી. આ પ્રકારની પીટિશન નોંધાવવા બદલ તમારી પર ખર્ચ લાદવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, એક્તા કપૂરનાં ઓટીટી પ્લેટફોર્મ ઓલ્ટ-બાલાજી પરની વેબ સીરિઝમાં સૈનિકોનું કથિતપણે અપમાન કરવા બદલ અને એમનાં પરિવારજનોની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ એક્તાની ધરપકડ કરવાની એક અરજી પર હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ભૂતપૂર્વ સૈનિક શંભુ કુમારે નોંધાવેલી ફરિયાદના આધારે 2020માં બિહારના બેગુસરાઈની એક ટ્રાયલ કોર્ટે એક્તા કપૂરની ધરપકડનું વોરન્ટ બહાર પાડ્યું હતું.