નયનતારાનું બોલીવુડને ગુડબાય! શાહરૂખની ‘જવાન’ ફિલ્મ કારણરૂપ?

મુંબઈઃ દક્ષિણભાષી ફિલ્મોમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી નયનતારાની ઓળખ ‘લેડી સુપરસ્ટાર’ તરીકેની છે. તેણે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પણ પ્રવેશ કરવાનું નક્કી કર્યું હતું અને શાહરૂખ ખાન અભિનીત ‘જવાન’ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની એક્ટિંગને દર્શકોએ વખાણી છે, પણ બોલીવુડમાં આ ફિલ્મ તેની પહેલી અને છેલ્લી છે.

ટાઈમ્સ નાઉના અહેવાલ અનુસાર, બોક્સ ઓફિસ પર ‘જવાન’ ફિલ્મની સફળતાનો શ્રેય માત્ર શાહરૂખ ખાનને આપવામાં આવ્યો છે. એને લીધે નયનતારાનાં પ્રશંસકો નારાજ થઈ ગયા હોવાનું મનાય છે. તદુપરાંત, એવું જાણવા મળ્યું છે કે ‘જવાન’ ફિલ્મ માટે નયનતારાને જે રોલ ઓફર કરાયો હતો તે બાદમાં ઘણો નાનો કરી દેવાયો હતો. એને કારણે નયનતારાએ હવે પછી બોલીવુડમાં કામ ન કરવાનું નક્કી કર્યું હોવાનું મનાય છે. તે માત્ર દક્ષિણી ફિલ્મોમાં જ કામ કરશે. પોતાને જો કોઈ બોલીવુડ ફિલ્મની ઓફર કરાશે તો એને નકારી કાઢશે. આ વિશે જોકે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી અને નયનતારાએ આ વિશે કોઈ પ્રત્યાઘાત પણ દર્શાવ્યાં નથી.

કહેવાય છે કે, અમુક દિવસો પહેલાં નયનતારા મુંબઈમાં સંજય લીલા ભણસાલીના કાર્યાલયની બહાર જોવા મળી હતી. એની સાથે સંજય દત્ત પણ હતો. તેથી એવી અટકળો વહેતી થઈ છે કે ભણસાલી એમની આગામી હિન્દી ફિલ્મ ‘બૈજુ બાવરા’માં સંજય અને નયનતારાને ચમકાવશે. પરંતુ હવે નયનતારાએ જે નિર્ણય લીધો છે તે પછી એ ભણસાલીની ફિલ્મમાં કામ કરશે કે નહીં તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે.