‘મુન્નાભાઈ MBBS’નો અભિનેતા વિશાલ ઠક્કર ત્રણ વર્ષથી લાપતા છે; મુંબઈ પોલીસ હજી શોધી શકી નથી

મુંબઈ – સંજય દત્ત અભિનીત સુપરહિટ હિન્દી ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં સહાયક ભૂમિકા કરનાર અને મુલુંડ ઉપનગરમાં રહેતો ગુજરાતી એક્ટર વિશાલ ઠક્કર 2016ની સાલથી લાપતા છે. મુંબઈની પોલીસ હજી સુધી એને શોધી શકી નથી.

વિશાલે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ફિલ્મમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા એક દર્દીનો રોલ કર્યો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વિશાલને છેલ્લે એની માતા દુર્ગા ઠક્કરે 2015ની 31 ડિસેંબરે જોયો હતો. એ વખતે વિશાલે એની મમ્મીને એમ કહ્યું હતું કે પોતે એક થિયેટરમાં ફિલ્મ જોવા જાય છે. વિશાલે એની મમ્મીને પણ સાથે આવવાનું કહ્યું હતું, પણ મમ્મીએ ના પાડી હતી. ત્યારબાદ વિશાલ 31 ડિસેંબરની રાતે 10.30 વાગ્યે ઘેરથી રવાના થઈ ગયો હતો. એણે એની મમ્મી પાસેથી રૂ. 500 ઉછીના લીધા હતા. એ જ દિવસે મધરાતે, 12.10 વાગ્યે વિશાલે એના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી હતી, જે ત્યારે આખરી હતી. એમાં તેણે લખ્યું હતું, ‘હેપ્પી ન્યૂ યર વિશ’.

મધરાત બાદ રાતે 1 વાગ્યે વિશાલે એના પિતા મહેન્દ્ર ઠક્કરને એક ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો અને કહ્યું હતું કે પોતે એક પાર્ટીમાં જઈ રહ્યો છે અને કાલે પાછો આવશે. પરંતુ, એ પાછો આવ્યો જ નહોતો. એ વાતને આજે ત્રણ વર્ષ થઈ ગયા. માતા-પિતાએ વિશાલને જોયો નથી કે એની તરફથી કંઈ સાંભળ્યું પણ નથી.

વિશાલ સાવ જ અદ્રશ્ય થઈ ગયો છે. એનો મોબાઈલ ફોન પણ સ્વિચ્ડ ઓફ્ફ છે. કોઈએ ફોન કરીને માતા-પિતાને બાનની રકમ પણ માગી નથી. વિશાલ ગૂમ થઈ ગયો છે ત્યારથી એનો બેન્ક એકાઉન્ટ પણ કોઈ પ્રકારની એક્ટિવિટી વિનના જેમનો તેમ પડ્યો છે. વિશાલના માતા-પિતાએ 2016ના જાન્યુઆરીમાં જ પોલીસમાં વિશાલ ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

ભૂતપૂર્વ તપાસનીશ અધિકારી પુરીએએ કહ્યું કે શરૂઆતમાં અમને વિશાલની એક ગર્લફ્રેન્ડ રજની રાજપૂત પર શંકા ગઈ હતી, પરંતુ એનાં નિવેદનમાં અમને કોઈ વિસંગતી જણાઈ નહોતી.

ઈન્સ્પેક્ટર કુલકર્ણીનું કહેવું છે કે વિશાલનું અપહરણ થયું, હત્યા થઈ છે કે એ પોતે જ ક્યાંક ભાગી ગયો છે? એ અમે હજી શોધી શક્યા નથી.

પોલીસનું કહેવું છે કે વિશાલને છેલ્લે એની ગર્લફ્રેન્ડે 1 જાન્યુઆરીએ સવારે પોણા બાર વાગ્યે થાણેમાં ઘોડબંદર રોડ પર જોયો હતો. એ કોઈક શૂટિંગ માટે અંધેરી જવા માટે ઓટોરિક્ષામાં બેઠો હતો.

વિશાલ ગૂમ થયો એના ત્રણેક મહિના અગાઉ એ કોઈક કાયદાની ઝપટમાં આવ્યો હતો. એની તે વખતની ગર્લફ્રેન્ડ, જે એક ટીવી અભિનેત્રી હતી, એણે ચારકોપ પોલીસ સ્ટેશનમાં આરોપ મૂક્યો હતો કે વિશાલે એની પર બળાત્કાર કર્યો હતો અને મારપીટ કરી હતી. ગર્લફ્રેન્ડનો દાવો હતો કે પોતે જ્યાં રહેતી હતી તે એનાં એક મિત્રનાં ઘેર વિશાલ આવ્યો હતો અને બંને વચ્ચે થયેલા એક ઝઘડા બદલ માફી માગી હતી. ત્યારે વિશાલ પણ ત્યાં જ રહી ગયો હતો અને એ રાતે એણે ગર્લફ્રેન્ડની મારપીટ કરી હતી અને પછી બળાત્કાર પણ કર્યો હતો.

વિશાલની માતાનું કહેવું છે કે, એ છોકરી ઘણી વાર અમારા ઘેર આવતી હતી. એક દિવસ બંને જણ સાથે હતાં અને બીજા દિવસે એ પોલીસને લઈને આવી હતી. એ તો મામૂલી ઝઘડો હતો. બાદમાં બંનેએ સમાધાન પણ કરી લીધું હતું. છોકરીએ પોલીસ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી, પરંતુ એ ઘટનાને કારણે વિશાલની કારકિર્દીને ફટકો પડ્યો હતો, જેને કારણે એ હતાશ થઈ ગયો હતો.

વિશાલે ‘ચાંદની બાર’ ફિલ્મમાં તેમજ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં પણ અભિનય કર્યો હતો.

httpss://youtu.be/GVF-hgj_MUU