જાતીય શોષણ કર્યાનો રાજકુમાર હિરાણી સામે સહાયક નિર્દેશિકાનો આરોપ

મુંબઈ – જાણીતા ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર હિરાની પણ MeToo ઝુંબેશ અંતર્ગત જાતીય શોષણનાં વિવાદમાં ફસાયા છે. એમની એક સહાયક નિર્દેશિકાએ પોતાનું જાતીય શોષણ કર્યાનો હિરાની પર આરોપ મૂક્યો છે. ‘સંજુ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘટના બની હોવાનું કહેવાય છે.

જોકે મુન્નાભાઈ સીરિઝની ફિલ્મો, ‘3 ઈડિયટ્સ’, ‘પીકે’ ફિલ્મના દિગ્દર્શક હિરાનીએ આ આરોપને નકારી કાઢ્યા છે.

હફપોસ્ટ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મહિલાએ એવો દાવો કર્યો છે કે 2018ના માર્ચ અને સપ્ટેંબર વચ્ચેના છ મહિનાનાં સમયગાળા દરમિયાન તેની પર એકથી વધુ વાર જાતીય અત્યાચાર કરવામાં આવ્યા હતા.

હફપોસ્ટનો દાવો છે કે એણે મહિલાનાં આરોપની ચકાસણી કરવા એનાં ત્રણ મિત્રો સાથે વાતચીત કરી હતી, જેમણે આ વાત સાચી હોવાનું જણાવ્યું છે.

 

સંજુ ફિલ્મના નિર્માતા વિધુ વિનોદ ચોપરાને પૂછવામાં આવ્યું તો એમણે કંઈ પણ જણાવવાની ના પાડી દીધી હતી.

જોકે ચોપરાના પત્ની અનુપમા ચોપરાએ હફપોસ્ટને એક ઈમેલમાં જણાવ્યું છે કે તે મહિલાએ પોતાની સાથે વાત શેર કરી હતી અને અમારો એને પૂરો ટેકો છે. અનુપમાએ કહ્યું કે વિધુ વિનોદ ચોપરા પ્રા.લિ. કંપનીએ એક આંતરિક ફરિયાદ સમિતિની રચના કરી છે.

સંજુનાં નિર્માતા અને હિરાનીના બિઝનેસ સહયોગી વિધુ વિનોદ ચોપરાને તે ઈમેલ 2018ની 3 નવેંબરે મોકલવામાં આવ્યો હતો. મહિલાએ એવો આરોપ મૂક્યો હતો કે ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શન તબક્કા વખતે એની પર જાતીય અત્યાચાર કરવામાં આવ્યો હતો.

ઈમેલમાં ચોપરાના પત્ની અને મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલના ડાયરેક્ટર અનુપમા ઉપરાંત સંજુના લેખક અભિજાત જોશી, વિધુ વિનોદ ચોપરાનાં બહેન શેલી ચોપરાને માર્ક કરવામાં આવ્યા છે.

ઈમેલમાં મહિલાએ જણાવ્યું છે કે હિરાનીએ એમના નિવાસસ્થાનમાંની ઓફિસમાં પોતાની પર જાતીય અનુચિત ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ એની પર જાતીય અત્યાચાર ગૂજાર્યો હતો.

હિરાનીના વકીલ આનંદ દેસાઈએ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આરોપ ખોટો, ઉપદ્રવી, કોઈક રીતે પ્રેરિત તેમજ બદનામ કરનારો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]