મુંબઈ – મંગળવારે (પાંચ માર્ચે) અક્ષયકુમાર સાથે એક રોમાંચકારી વેબ સિરીઝની જાહેરાત કર્યા બાદ ‘એમેઝોન પ્રાઈમ વિડિયો’એ આજે (સાત માર્ચે) મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં ‘મેડ ઈન હેવન’ નામની નવી વેબસિરીઝની જાહેરાત કરી. આવતી કાલે એટલે કે ‘વીમેન્સ ડે’ના દિવસથી (8 માર્ચથી) જોવા મળનારી આ વેબ સિરીઝનાં સર્જક છેઃ ઝોયા અખ્તર-રીમા કાગતી.
આ ડ્રામા સિરીઝ આધુનિક ભારતમાં યોજાતાં ભપકાદાર, ખર્ચાળ લગ્નોની પાછળની સચ્ચાઈ, ઈમોશનલ અને ઈન્ટરેસ્ટિંગ કથા દ્વારા રજૂ કરવામાં આવી છે. ઝોયા-રીમા ઉપરાંત નિત્યા મેહરા (‘બાર બાર દેખો’ની ડિરેક્ટર) તથા અલંકૃતા શ્રીવાસ્તવ (‘લિપ્સિટક અંડર માય બુરખા’ની સર્જક) તથા પ્રશાંત નાયર (ભારતમાં જન્મેલા આ ફ્રેન્ચ ફિલ્મ ડિરેક્ટર ‘અમરિકા’ નામની ફિલ્મથી જાણીતા થયેલા) જેવા સર્જક પણ ‘મેડ ઈન હેવન’ સાથે સંકળાયેલાં છે.
અર્જુન માથુર-કલ્કિ કોએચલીન-સોભિતા ધુલિપાલ-જિમ સરબાહ-શશાંક અરોરા તથા શિવાની રઘુવંશી જેવા કલાકારોને ચમકાવતી ‘મેડ ઈન હેવન’ મોંઘાંદાટ લગ્નો યોજી આપતાં તારા અને કરણ નામનાં બે વેડિંગ-પ્લાનરની કામગીરી તથા એમની અંગત જિંદગી પર પ્રકાશ ફેંકે છે.
અહેવાલઃ કેતન મિસ્ત્રી
તસવીરોઃ દીપક ધુરી