આમિર ખાન-સંજય દત્ત સાથે કામ કર્યું ને પછી ગાયબ! હવે ક્યાં છે આ અભિનેત્રી?

મુંબઈ: ગાયત્રી જોશીથી લઈને સંદલી સિંહા અને અનુ અગ્રવાલ સુધી ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી સુંદરીઓ છે જેમણે સુપરહિટ ફિલ્મથી ફિલ્મી દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી, પરંતુ આ પછી પણ તેઓ ધીરે ધીરે મોટા પડદા પરથી ગાયબ થઈ ગયા હતા. એમાંની એક અભિનેત્રીની વાત કરીએ, જેણે આમિર ખાન અને સંજય દત્ત જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું, તેમ છતાં તેણે થોડા સમય પછી પોતાની જાતને બોલિવૂડથી દૂર કરી લીધી હતી. આજે આ અભિનેત્રીનો જન્મદિવસ છે. વાત કરી રહ્યા છીએ ‘લગાનની ‘ગૌરી’ એટલે કે ગ્રેસી સિંહની, જેણે 1999માં ‘હુ તુ તુ’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ગ્રેસી સિંહ આજે તેનો 44મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે, તો ચાલો તેના જન્મદિવસ પર અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

ગ્રેસી સિંહનો જન્મદિવસ

ગ્રેસી સિંહનો જન્મ 20 જુલાઈ 1980ના રોજ દિલ્હીમાં થયો હતો અને તેણે માત્ર 17 વર્ષની ઉંમરે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. ગ્રેસી પહેલીવાર 1997માં ટેલિકાસ્ટ થયેલી સિરિયલ ‘અમાનત’માં જોવા મળી હતી. આ પછી તેને ફિલ્મોની ઓફર મળવા લાગી. તેણીએ 1999 માં ‘હુ તુ તુ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તે જ વર્ષે ‘હમ આપકે દિલ મેં રહેતે હૈં’ માં જોવા મળી હતી. પરંતુ 2001માં રિલીઝ થયેલી ‘લગાન’ દ્વારા તેને સફળતા અને ઓળખ મળી જેમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં હતો. આશુતોષ ગોવારિકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પણ ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી.

લગાન ફિલ્મે ઓળખ આપી

લગાનની સફળતા સાથે ગ્રેસી સિંહ પણ સ્ટાર બની ગઈ. લોકોમાં તેમની લોકપ્રિયતા અચાનક વધવા લાગી અને સતત વધતી ગઈ. લગાનના સેટ પર ગ્રેસી સિંહને ઘમંડી તરીકે ટેગ કરવામાં આવી હતી. વાસ્તવમાં, આ ફિલ્મમાં તેણે ગામડાની એક નિર્દોષ છોકરીનું પાત્ર ભજવ્યું હતું અને તે તેના પાત્રમાં એટલી મશગૂલ હતી કે તે સેટ પર કોઈની સાથે વાત પણ કરતી ન હતી, તેણીના આ સ્વાભાવને કારણે ક્રૂ મેમ્બર્સ તેને ઘમંડી માનવા લાગ્યા અને તેને ઘંમડીનું ટેગ આપી દીધું.

 

View this post on Instagram

 

A post shared by Gracy Singh (@iamgracysingh)

લગાન પછી તે આ ફિલ્મોમાં જોવા મળી હતી

‘લગાન’ પછી, ગ્રેસી સિંહ અજય દેવગન સાથે ‘ગંગાજલ’, સંજય દત્ત સાથે ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી શાનદાર ફિલ્મોમાં જોવા મળી હતી. આ ફિલ્મો પછી લોકોને લાગવા માંડ્યું કે ગ્રેસી ઈન્ડસ્ટ્રીમાં શાનદાર ઈનિંગ્સ રમશે, પરંતુ ટૂંક સમયમાં જ તેને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું. એક ઈન્ટરવ્યુમાં ગ્રેસીએ કહ્યું હતું કે ‘હું કામ કરી શકું છું, પરંતુ ખુશામત કરી શકતી નથી. ઈન્ડસ્ટ્રીમાં ઘણા બધા જૂથવાદ છે, જે હું સમજી શકતી નથી. કામ ક્યારે મારી પાસે આવતું બંધ થઈ ગયું એનો મને ખ્યાલ પણ ન રહ્યો.

ગ્રેસી સિંહે આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો

વર્ષો સુધી ફિલ્મી દુનિયાથી દૂર રહ્યા બાદ ગ્રેસી સિંહે ‘સંતોષી મા’ તરીકે પુનરાગમન કર્યું, પરંતુ ટીવી સ્ક્રીન પર. સંતોષી મામાં ગ્રેસી લીડ રોલમાં જોવા મળી હતી અને આ પાત્રમાં પણ તે હિટ રહી હતી. ગ્રેસી એક પ્રશિક્ષિત ક્લાસિકલ ડાન્સર છે, તેણે 2009માં પોતાની ડાન્સ એકેડમી પણ ખોલી હતી, જ્યાં તે ડાન્સ શીખવે છે. આ સિવાય તે બ્રહ્મા કુમારી સંસ્થા સાથે પણ જોડાયેલી છે.