‘હું તો જન્મજાત-મૂર્ખ છુંને’: કંગનાનો શેહલાને કટાક્ષ

મુંબઈઃ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયૂ)ના વિદ્યાર્થી સંઘની ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદ દેશ-વિરોધી કામગીરીઓમાં સહભાગી થઈ હોવાનો એની પર આરોપ એનાં પિતા અબ્દુલ રશીદે જ મૂકતાં સૌ ચોંકી ઉઠ્યા છે. હવે એની પર બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતે પોતાનાં પ્રત્યાઘાત આપ્યાં છે. એણે શેહલાનાં પિતાનો જ વિડિયો ટ્વીટ કરીને શેહલા પર નિશાન તાંક્યું છે. તે ટ્વીટમાં કંગનાએ કહ્યું છે કે, એ જન્મજાત મૂર્ખ છે.

કંગનાએ શેહલાનાં પિતાનો વિડિયો ટ્વીટ કરીને લખ્યું છે, ‘દેશદ્રોહથી તને પૈસા, આંતરરાષ્ટ્રીય પુરસ્કાર, મિત્ર, સહયોગ એવું બધું જ મળશે, પણ દેશપ્રેમથી તને દુશ્મનો મળશે, સંઘર્ષ મળશે, પૂર્વજોની સભ્યતાની લડાઈ વારસામાં મળશે. જીવન તો તારું છે, તારે જ નિર્ણય લેવાનો છે. સમજદારીવાળી જિંદગી જીવવી છે કે મૂર્ખતાભરી? હું તો જન્મજાત મૂર્ખ છું.’

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં શેહલાએ કંગનાને મૂર્ખ કહી હતી. એણે કંગના વિશે એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, કિસાનો આત્મહત્યા કરે છે એ કંઈ ચૂંટણીનો મુદ્દો નથી. આનાથી કંઈ ઝેડ-સિક્યુરિટી કે પદ્મભૂષણ એવોર્ડ મળતા નથી. ઈડિયટ. કંગનાએ શેહલાનાં એ ટ્વીટનો આજે ઉપર મુજબ ઉત્તર આપી દીધો છે.

અબ્દુર રશીદનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થયો છે. તેમણે જમ્મુના પોલીસ વડાને આપેલા પત્રની કોપી બતાવી હતી. અને કહ્યું હતું કે એમની પુત્રી શેહલા આઈએએસમાં ટોપર રહેલા શાહ ફૈસલ સાથે મળીને કશ્મીરમાં હુર્રિયત જેવું નવું સંગઠન ઊભું કરવાનો પ્રયત્ન કરતી હતી. તે અને શાહ ફૈસલ મળીને કશ્મીરનાં તરુણોને ભડકાવવાનો પ્રયત્ન કરતા હતા. પિતા તરીકે પોતે એનો વિરોધ કર્યો હતો. હવે પોતે એનો વિરોધ કર્યો છે એટલે પોતાના જાન પર જોખમ છે. ઘરમાંથી એ કયા પ્રકારની વાતો કરે છે એની તપાસ થવી જોઈએ.