હત્યાની ધમકી આપનાર સામે કંગનાએ પોલીસ-FIR નોંધાવી

કુલુ (હિમાચલ પ્રદેશ): બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે એને તાજેતરમાં મળેલી જાનથી મારી નાખવાની ધમકી બદલ કુલુ શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમાચારની જાણ તેણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર કરી છે. એણે અમૃતસરના સુવર્ણ મંદિરમાં પોતાની એક તસવીર સાથે હિન્દીમાં લખેલી એક લાંબી નોંધ પણ પોસ્ટ કરી છે. તસવીરમાં કંગનાની બહેન રંગોલી અને માતા આશા રણોત પણ દેખાય છે.

હાલમાં જ બે હિન્દી ફિલ્મ (‘પંગા’ અને ‘મણિકર્ણિકા’) માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર કંગનાએ લખ્યું છે કે, ‘મુંબઈમાં કરાયેલા ત્રાસવાદી હુમલાઓમાં શહીદ થયેલા લોકોને યાદ કરીને મેં લખ્યું હતું કે દેશદ્રોહીઓને ક્યારેય પણ ભૂલવા ન જોઈએ. આ પ્રકારની ઘટનાઓમાં દેશના આંતરિક દેશદ્રોહીઓનો હાથ હોય છે. પૈસાની લાલચ માટે અને ક્યારેક પદ અને સત્તાની લાલચ માટે દેશદ્રોહીઓ માતૃભૂમિને હાનિ પહોંચાડવાની એકેય તક જતી કરતા નથી. જ્યાં સુધી જયચંદો અને દેશની અંદરના દેશદ્રોહીઓ રાષ્ટ્ર-વિરોધી તત્ત્વોને ષડયંત્ર ઘડવામાં સાથ આપતા રહેશે ત્યાં સુધી આવા બનાવો બનતા જ રહેશે.’

કંગનાએ વધુમાં લખ્યું છે કે, ‘ભટિન્ડાના એક ભાઈએ મને જાનથી મારી નાખવાની જાહેરમાં ધમકી આપી છે. હું આવી ધમકીઓથી ડરતી નથી. હું ત્રાસવાદીઓ વિરુદ્ધ અને આપણા દેશને હાનિ પહોંચાડવા ષડયંત્રો ઘડનારાઓ વિરુદ્ધ બોલી છું અને બોલવાનું ચાલુ રાખીશ. પછી એ નક્સલવાદીઓ હોય, ટૂકડે ટૂકડે ગેંગવાળા હોય કે 80ના દાયકામાં પંજાબમાં મહાન શીખ ગુરુઓની પવિત્ર ભૂમિના ટૂકડા કરીને ખાલિસ્તાન બનાવવાનું વિદેશમાં બેસીને સપનું જોનાર ત્રાસવાદીઓ હોય.’ કંગનાએ કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીને વિનંતી પણ કરી છે કે તેઓ પંજાબમાં એમની સરકારના મુખ્ય પ્રધાન ચન્નીને આદેશ આપે કે એમની સરકાર આવા ત્રાસવાદી, ભાંગફોડિયા અને રાષ્ટ્રવિરોધી તત્ત્વો તરફથી આવેલી ધમકીઓ સામે તત્કાળ પગલું ભરે.