લતાજીની અવગણના: કંગના ગ્રેમીઝ, ઓસ્કરવાળાઓ પર ભડકી

મુંબઈઃ હાલ રિયાલિટી શો લોક અપનું સંચાલન કરી રહેલી બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે ગ્રેમીઝ અને ઓસ્કર એવોર્ડ સમારોહમાં ભારતનાં મહાન ગાયિકા ભારત રત્ન સ્વ. લતા મંગેશકરની અવગણના કરવા બદલ આયોજકોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે અને બંનેને લોકલ કાર્યક્રમ તરીકે ઓળખાવ્યાં છે.

ગ્રેમી અને ઓસ્કર અમેરિકાના મનોરંજન જગત (ગીત-સંગીત અને અભિનય ક્ષેત્ર) માટે દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાય છે. ‘ગ્રેમી’ દુનિયાભરમાં સંગીતના વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ગણાય છે. અમેરિકાના સંગીત ઉદ્યોગમાં અસાધારણ સિદ્ધિ હાંસલ કરનારની કદરરૂપે રેકોર્ડિંગ એકેડેમી દ્વારા ‘ગ્રેમી’ એવોર્ડ આપવામાં આવે છે. જ્યારે ઓસ્કર અથવા એકેડમી એવોર્ડ્સ, હોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકાર-કસબીઓને એવોર્ડ આપતો વાર્ષિક સમારોહ છે, જેનું આયોજન એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ સંસ્થા કરે છે. આ બંને સંસ્થાના ગત્ એવોર્ડ સમારોહ વખતે સ્મરણાંજલિ વિભાગમાં લતા મંગેશકરનું નામ ગાયબ હતું. દંતકથાસમાન ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે ગઈ 6 ફેબ્રુઆરીએ મુંબઈમાં નિધન થયું હતું.

‘પંગા’ અને ‘મણિકર્ણિકા’ ફિલ્મોમાં કરેલા અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, ‘ઈન્ટરનેશનલ હોવાનો દાવો કરતા પણ જાતિ તથા આદર્શવાદના કારણસર દંતકથાસમાન કલાકારોની ઈરાદાપૂર્વક અવગણના કરનાર કોઈ પણ લોકલ એવોર્ડ્સ સામે આપણે કડક વલણ જ અખત્યાર કરવું જોઈએ… ઓસ્કર અને ગ્રેમી, બંને એવોર્ડ કાર્યક્રમ ભારત રત્ન લતા મંગેશકરજીને શ્રદ્ધાંજલિ આપવાનું ચૂકી ગયા… આપણા પ્રચારમાધ્યમોએ આ ગ્લોબલ એવોર્ડ્સ હોવાનો દાવો કરનાર ભેદભાવપૂર્ણ લોકલ કાર્યક્રમોનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવો જોઈએ.’