કંગનાએ ગ્રેટા, મિયાં ખલિફા, રેહાનાને આડે હાથ લીધી

મુંબઈઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી વિશ્વભરમાં એની ચર્ચા થઈ રહી છે. તાલિબાન શરિયા કાનૂનને પ્રોત્સાહન આપી રહી છે. જેનાથી વિશ્વના લોકો ચિંતિત છે. દેશમાં મશહૂર હસ્તીઓએ તાલિબાન પર પ્રતિક્રિયા આપી છે. બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતે ભારતના ખેડૂત આંદોલન પર બોલનારી ગ્રેટા, રિહાના અને મિયા ખલિફા પર નિશાન સાધ્યું છે. કંગનાએ કહ્યું હતું કે ક્યાં ગઈ ગ્રેટા, મિયા ખલિફા અને રેહાના? જે હિન્દુસ્તાની ખેડૂતો અને ખાલિસ્તાનીઓની વકીલાત કરી રહી હતી. કંગનાએ આ ત્રણે સેલિબ્રિટીને આડે હાથ લેતાં કહ્યું હતું કે તાલિબાન પર બોલવાનો સમય આવ્યો ત્યારે શું આ લોકો ફેવિકોલ પીને બેસી છે?

રાજકારણથી માંડીને સામાજિક મુદ્દાઓ પર બિનધાસ્ત વાત મૂકતી કંગનાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અને શરિયા કાનૂન પર વાર કર્યો હતો. તેણે ફેસબુક પેજ પર એક પોસ્ટ દ્વારા સવાલ કર્યો હતો કે આખરે શરિયા કાનૂન શું છે? કંગનાએ લખ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર મને કોઈ નારાજગી નથી દેખાઈ રહી, કેમ કે અફઘાનિસ્તાનથી લોકતંત્રનો સફાયો કરીને શરયિ કાનૂન લાગુ કરી દેવામાં આવ્યું છે. કંગનાએ વધુમાં લખ્યું હતું કે વાસ્તવમાં બંગાળના કેટલાક ભાગોમાં શરિયા કાનૂનનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. એ કાયદા હેઠળ જો મહિલાઓ બુરખા નથી પહેરતી તો તેમની મારપીટ કરવામાં આવે છે. જાહેરમાં પથ્થરથી માંડીને ફાંસી પર ચઢાવી દેવાની સજા થઈ શકે છે.

ત્રણે કૃષિ કાયદાઓની સામે પોપસ્ટાર રિહાના, પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ અને મિયા ખલિફાએ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો હતો, ત્યારે કંગનાએ ટ્વીટ કરીને ભારતની આંતરિક મામલે ન બોલવાની વાત કહી હતી.