-તો ગોવામાં ઓલા-ઉબરને મંજૂરી આપી-દઈશઃ ટેક્સી-ડ્રાઈવરોને પ્રધાનની-ધમકી

પણજીઃ ગોવામાં ટેક્સી ડ્રાઈવરો અને રાજ્ય સરકાર વચ્ચે હાલ ખટરાગ ચાલી રહ્યો છે. મુદ્દો છે ટેક્સીઓમાં ફરજિયાત રીતે ડિજિટલ મીટરો બેસાડવાનો. ટેક્સી ડ્રાઈવરોએ એમની ટેક્સીઓમાં આવા મીટર બેસાડવાની ના પાડી દીધી છે એટલે રાજ્યના ટ્રાન્સપોર્ટ પ્રધાન મૌવીન ગોડિનોએ એમને ચેતવણી આપી છે કે જો તેઓ નહીં માને તો સરકાર લોકપ્રિય એપ્લિકેશન-બેઝ્ડ ટેક્સી સેવાઓ પૂરી પાડતી કંપનીઓ ઓલા અને ઉબરને તેમની ટેક્સી સેવા ગોવામાં શરૂ કરવાની પરવાનગી આપી દેશે.

પર્યટકો તથા સ્થાનિક રહેવાસીઓનો એવો આરોપ છે કે સ્ટાન્ડર્ડ ભાડા મીટર સિસ્ટમનો અભાવ હોવાને કારણે ગોવાના ટેક્સી ડ્રાઈવરો પેસેન્જરોને વધુપડતો ચાર્જ લગાવે છે. ગોવા હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે કે રાજ્યમાં તમામ ટેક્સીઓમાં ડિજિટલ મીટરો બેસાડવા. ગોવામાં 3,584માંથી માત્ર 137 ટેક્સી માલિકોએ જ એમની ટેક્સીઓમાં ડિજિટલ મીટર બેસાડ્યા છે. રાજ્ય સરકારે એમને 15 દિવસનો સમય આપ્યો છે.