‘બજરંગી ભાઈજાન’ની સીક્વલના નિર્માણને કબીર ખાનનો રદિયો

મુંબઈઃ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન સુપરસ્ટાર સલમાન ખાને ‘બજરંગી ભાઈજાન 2’ બનાવવાની જાહેરાત કરીને તેના પ્રશંસકોને રોમાંચિત કરી મૂક્યા હતા. તેણે એમ કહ્યું હતું કે પટકથા લેખક વિજયેન્દ્ર પ્રસાદે તો ‘બજરંગી ભાઈજાન’ની સીક્વલનું નામ પણ નક્કી કરી લીધું છે – ‘પવનપુત્ર ભાઈજાન’.

(ફાઈલ તસવીર)

પરંતુ, દિગ્દર્શક કબીર ખાને આ બાબતમાં સ્પષ્ટતા કરી છે કે સલમાને માત્ર ઉત્સાહમાં આવીને એ જાહેરાત કરી હતી. વાસ્તવમાં, નવી ફિલ્મની વાર્તાની હજી કોઈ પ્રકારની શરૂઆત જ નથી થઈ. ‘મેં કોઈ પટકથા હજી સુધી વાંચી નથી. જોકે વિજયેન્દ્ર ચોક્કસ કંઈક રોમાંચક જ લખશે. માત્ર મૂળ ફિલ્મ સફળ થઈ હોય એટલે એની સીક્વલ બનાવવામાં હું માનતો નથી. જો વાર્તા એકદમ સારી હશે તો જ એ ફિલ્મ બનાવવાનું મને ગમશે. સલમાન ખાન જાહેરાતોને વિધિસર રીતે કરવાના નિયમોનું પાલન કરતો નથી. એ દિલથી બોલી નાખતો હોય છે,’ એમ કબીર ખાને રમૂજમાં વધુ કહ્યું. 2015માં આવેલી ‘બજરંગી ભાઈજાન’માં સલમાન ખાન, કરીના કપૂર, નવાઝુદ્દીન સિદ્દિકી અને બાળ કલાકાર તરીકે હર્ષાલી મલ્હોત્રાની ભૂમિકા હતી. એ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી અને મનોરંજન પૂરું પાડનાર શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ પણ જીત્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]