હેમા માલિની, પ્રસૂન જોશીને ‘ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ’

પણજીઃ ગોવામાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સરકારે નવા ‘ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર’ એવોર્ડની જાહેરાત કરી હતી. એ એવોર્ડ એક્ટ્રેસ અને ભાજપનાં સંસદસભ્ય હેમા માલિની અને CBFCના ચેરમેન પ્રસૂન જોશીને એનાયત કરવામાં આવશે. કેન્દ્રીય ઇન્ફોર્મેશનપ્રધાન અનુરાગ ઠાકુરે આ માહિતી આપી હતી.

આ મહિનના અંતમાં ગોવામાં થનારા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના ઉદઘાટન પર હેમા માલિનીને ‘ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર’ એવોર્ડ આપવામાં આવશે. ગયા વર્ષે સિનિયર અભિનેતા અને નિર્માતા વિશ્વજિત ચેટરજીને ‘ઇન્ડિયન પર્સનાલિટી ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણપ્રધાને કહ્યું હતું કે ગોવામાં 20 નવેમ્બરથી 28 નવેમ્બરની વચ્ચે આયોજિત થનારા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)માં હેમા માલિની અને પ્રસૂન જોશીને ‘ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

હેમા માલિનીની કેટલીક ફિલ્મો ‘શોલે’, ‘શરાફત’, ‘રાજા જાની’, ‘સીતા ઔર ગીતા’, ‘દોસ્ત’ અને ‘બાગબાન’ સામેલ છે. પ્રસૂન જોશી હાલ કેન્દ્રીય ફિલ્મ પ્રમાણ બોર્ડ (CBFC)ના અધ્યક્ષ છે. તેમણે ‘હમ તુમ’, ‘બ્લેક’, ‘રંગ દે બંસતી’, ‘તારે જમીન પર’ અને ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી કેટલીય ફિલ્મોનાં ગીતો લખ્યાં છે, જે ઘણાં હિટ થયાં છે.

આ ફેસ્ટિવલ પહેલાં ‘સત્યજિત રે લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ’થી દિગ્ગજ ફિલ્મકાર માર્કિન સ્કોરેસેસ અને ઇસ્તેવાન સ્જાબોને સન્માનિત કરવામાં આવશે. આ મહોત્સવમાં દિવંગત અભિનેતાઓ દિલીપકુમાર, કન્નડ અભિનેતા પુનિત રાજકુમાર, ફિલ્મકાર સુમિત્રા ભાવે, કન્નડ અભિનેતા સંચારી વિજય અને રાષ્ટ્રીય પુરસ્કારપ્રાપ્ત અભિનેત્રી સુરેખા સિકરીને વિશેષ રૂપે સન્મિત કરવામાં આવશે.