મુંબઈઃ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કર્યા પછી અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવ્યા બાદ ‘RRR’ની ટીમની હવે સૌથી મોટા ઓસ્કર એવોર્ડ પર ચોંટેલી છે. સર્વશ્રેષ્ઠ ઓરિજિનલ સોંગ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડે એસ. એસ. રાજામૌલી અને તેમની ટીમની જ નહીં, પણ પૂરા ટોલિવૂડની અપેક્ષાઓ વધારી દીધી છે. ઓસ્કાર માટે ‘RRR’ છેલ્લા કેટલાક દિવસોમાં ટોચમાંની એક રહી છે અને જુનિયર એનટીઆર અને રામ ચરણના ફેન્સ એકેડેમી એવોર્ડ જીતવા માટે આશા રાખી રહ્યા છે. રાજામૌલીની ફિલ્મના બંને એક્ટરો અને ટીમના અન્ય સભ્યોની સાથે હોલીવૂડના ડોલ્બી થિયેટરમાં હાજર હતા, જ્યારે એમ. એમ. કિરાવનીને નાટુ…નાટુ ગીત પર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો.
આ ગીતે ગોલ્ડન ગ્લોબ એવોર્ડસમાં ટેલર સ્વિફ્ટના ગીત કૈરોલિના, ગ્રેગ્રોરી માનના ચાઓ પાપા, લેડી ગાગાના હોલ્ડ માય હેન્ડ, ફિલ્મ બ્લેક પેન્થરઃ વકાંડા ફોરએવરના ગીત લિફ્ટ મી અપને હરાવીને એવોર્ડ પોતાને નામે કર્યો હતો. આ ગીતે 95મા એકેડમી એવોર્ડસ માટે પહેલેથી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે.
આ ગીત નોમિનેશન લિસ્ટમાં જગ્યા બનાવશે અથવા નહીં એ તો 24 જાન્યુઆરીએ માલૂમ પડશે. ફેન્સનો ઉત્સાહ વધારતાં રામ ચરણે જણાવ્યું હતું કે જો ‘RRR’ ઓસ્કાર એવોર્ડ જીતશે તો તે જુનિયર એનટીઆરની સાથે દિલ ખોલીને ડાન્સ કરશે. તેણે એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે જો ફિલ્મ ઓસ્કાર જીતશે તો તે ફરીથી 17 વાર ડાન્સ કરશે. તે ખરેખર તો ગીત વખતે કરેલા રિટેકની વાત કરી રહ્યો હતો.