નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની રાનૂ મંડલનું પ્રથમ ગીત તેરી મેરી કહાની રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. આ અગાઉ રાનૂ મંડલ પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર સોન્ગ ગાઈને પોતાનો જીવન નિર્વાહ કરતી હતી. અહીંથી જ તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે લતા મંગેશકરના ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ ગાતી નજરે પડી રહી હતી. રાનૂ મંડલને સફળતા મળ્યા બાદ લતા મંગેશકરે પણ તેમના વખાણ કર્યા, સાથે લતાજીએ એમ પણ કહ્યું કે, નકલથી સફળતા ટકી શકે નહીં. જોકે હવે રાનૂ મંડલનું પ્રથમ ગીત રિલીઝ થયા બાદ હિમેશ રેશમિયાએ મીડિયા સાથે વાત કરતા લતા મંગેશકરની એ રિએક્શનનો જવાબ આપ્યો છે.
લતા મંગેશકરની પ્રતિક્રિયા પર પુછેલા એક સવાલના જવાબમાં હિમેશ રેશમિયાએ કહ્યું કે, સૌથી પહેલા તો એ સમજવું જોઈએ કે, લતાજીએ કયા સંદર્ભમાં આ પ્રતિક્રિયા આપી છે. મને લાગે છે કે, કલાકારો માટે કોઈ અન્ય પાસેથી પ્રેરણા લેવી જરૂરી છે. મારુ માનવું છે કે, જ્યારે તમે કોઈ અન્ય સિંગરની નકલ કરો છો તો તે એટલુ સારુ કાન નથી કરી શકતા. પરંતુ હું એ પણ માનુ છું કે, અન્યની પ્રેરણા લેવી ઘણી મહત્વપૂર્ણ છે. હિમેશ રેશમિયાએ વધુમાં કહ્યું કે, કુમાર સાનૂ હમેશા કહે છે કે, તે કિશોર કુમારથી પ્રેરિત છે. એવી જ રીતે અમે લોકો પણ કોઈ અન્યથી પ્રેરિત હોઈએ છીએ.
તેરી મેરી કહાની….ના લોન્ચિંગ સમયે રાનૂ મંડલને પણ તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ અંગે પૂછવામાં આવ્યું. એ અંગે રાનૂ મંડલે કહ્યું કે, મેં કદી પણ આશા છોડી ન હતી. મારા જીવનના સૌથી ખરાબ દિવસોમાં પણ સિંગિંગે મને હિમ્મત આપી. મે કદી વિચાર્યુ પણ ન હતું કે, મને આટલું મોટું મંચ મળશે, પરંતુ મને મારા અવાજ પર ભરોસો હતો. આ ઉપરાંત રાનૂ મંડલે તેમના પ્રથમ ગીતના રેકોર્ડિગને લઈને કહ્યું કે, જ્યારે મેં પહેલી વખત હેડફોન પહેર્યા તો મારા આત્મવિશ્વાસમાં વધારો થયો. હું હમેશા લતાજી, મોહમ્મદ રફી, અને કિશોર કુમારના ગીતો સાંભળુ છું અને એમાંથી ઘણું બધુ શીખુ પણ છું.