‘ગુડ લક જેરી’માં જ્હાન્વી ડ્રગ ડીલરનાં રોલમાં

મુંબઈઃ આગામી નવી હિન્દી ફિલ્મ ‘ગુડ લક જેરી’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂરે એક ભોળી યુવતીની ભૂમિકા નિભાવી છે, જે એની કેન્સરપીડિત માતાની સારવાર કરાવવા પૈસા મેળવવા માટે ડ્રગ્સના ધંધામાં ઝુકાવે છે. ટ્રેલર ત્રણ મિનિટનું છે. ફિલ્મ 29 જુલાઈએ ડિઝલની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરાશે. ટ્રેલર પરથી કહી શકાય કે ફિલ્મમાં કોમેડી, ઈમોશન અને થ્રિલર એમ બધું જોવા મળશે.

ટ્રેલરમાં જ્હાન્વીને બિહારનિવાસી જયાકુમારી (જેરી) તરીકે પ્રસ્તુત કરવામાં આવી છે. મૂળ તો એ મસાજ કરવાનું કામ કરતી હોય છે, પણ માતાને કેન્સર થયાનું નિદાન થતાં એની સારવાર કરાવવા માટે પૈસાને ખાતર એ ડ્રગ્સના ધંધામાં પડે છે. એ ડ્રગ ડીલર બની જાય છે. ત્યાં એ ખતરનાક પરિસ્થિતિઓમાં નિર્ભયતાપૂર્વક કામ કરે છે.

આ ફિલ્મ તામિલ ફિલ્મની હિન્દી રીમેક છે. હિન્દી ફિલ્મમાં મીતા વશિષ્ઠ, નીરજ સૂદ, દીપક ડોબ્રિયાલ અને સુશાંત સિંહ છે. 25 વર્ષીય જ્હાન્વી છેલ્લે ‘રૂહી’ ફિલ્મમાં જોવા મળી હતી. હાલ એ વરૂણ ધવન સાથે ‘બવાલ’ ફિલ્મના શૂટિંગ માટે યૂરોપ ગઈ છે. આ ઉપરાંત એ ‘મિલી’, ‘દોસ્તાના 2’ અને ‘મિસ્ટર એન્ડ મિસીસ માહી’ ફિલ્મોમાં પણ અભિનય કરી રહી છે.