પ્રભાસ-દીપિકાની ‘પ્રોજેક્ટ-K’માં દિશાને પણ મળ્યો રોલ

મુંબઈઃ લોફર નામની તેલુગુ ફિલ્મમાં કામ કરી ચૂકેલી બોલીવુડ અભિનેત્રી દિશા પટનીને તેલુગુ-હિન્દી ભાષામાં બનનારી ફિલ્મ ‘પ્રોજેક્ટ-K’ (કામચલાઉ શીર્ષક)માં મહત્ત્વની ભૂમિકા મળી છે. આ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પદુકોણની મુખ્ય જોડી છે. આની જાણકારી ખુદ દિશાએ જ સોશિયલ મિડિયાના માધ્યમથી આપી છે. જોકે ફિલ્મમાં દિશાનો રોલ કેવા પ્રકારનો હશે એ વિશે નિર્માતાઓએ કોઈ ફોડ પાડ્યો નથી.

સાયન્સ-ફિક્શન વિષયવાળી ‘પ્રોજેક્ટ-K’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક છે નાગ અશ્વિન, જેઓ અગાઉ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ‘મહાનતી’ ફિલ્મ બનાવી ચૂક્યા છે.