‘KGF: ચેપ્ટર 2’નો બોક્સ ઓફિસ પર દબદબો

મુંબઈઃ ‘KGF: ચેપ્ટર 2’નો બોક્સ ઓફિસ પર દબદબો કાયમ છે. આ ફિલ્મ હિન્દી દર્શકોને થિયેટરો સુધી ખેંચી લાવવામાં સફળ રહી છે. હિન્દી ભાષામાં રિલીઝ થયેલી આ ફિલ્મે રૂ. 400 કરોડની કમાણી કરી લીધી છે. શુક્રવારે આ ફિલ્મે રૂ. 3.85 કરોડની કમાણી કરતાં ચોથા સપ્તાહ સુધી આ ફિલ્મે રૂ. 401.80 કરોડ કલેક્શન કર્યું હતું. હિન્દી દર્શકોની વચ્ચે આ ફિલ્મની ઘણી લોકપ્રિયતા જોવા મળી હતી.

આવનારા દિવસોમાં એક્સપર્ટસ આ ફિલ્મથી ઘણી અપેક્ષાઓ રાખી રહ્યા છે. ‘KGF: ચેપ્ટર 2’ની બમ્પર કમાણીની સામે હિન્દીમાં રિલીઝ થયેલી અન્ય ફિલ્મો અજય દેવગનની ફિલ્મ ‘રનવે 34’ અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘હીરોપંતી 2’ની કમાણી ફિક્કી નજરે પડી રહી છે.

આ ઉપરાંત ‘KGF: ચેપ્ટર 2’ હિન્દી વર્ઝનની સૌથી વધુ કમાણી કરવાવાળી બીજી હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ લિસ્ટમાં પહેલું નામ હિન્દીમાં ડબ થયેલી ‘બાહુબલી 2’નું નામ છે. ‘બાહુબલી 2’ના હિન્દી વર્ઝને રૂ. 511 કરોડની કમાણી કરી હતી, જ્યારે ત્રીજા ક્રમાંકે આમિર ખાનની ફિલ્મ ‘દંગલે’ રૂ. 386 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મે IPL 2022 અને નવી ફિલ્મોનો મજબૂતીથી સામનો કર્યો હતો. આવનારા વીકએન્ડમાં ‘KGF 2’ વધુ કમાણી કરે એવી શક્યતા છે.

29 એપ્રિલે રિલીઝે થયેલી બંને ફિલ્મો દર્શકો માટે નિરાશાજનક સાબિત થઈ હતી. ઇદના તહેવારે કમાણીમાંથી થોડા ચમકારાની સાથે બંને ફિલ્મોમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો.  

આ સાથે યશની આ ફિલ્મે વિશ્વમાં રૂ. 1093 કરોડનું કલેક્શન કર્યું છે. એ વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારી ચોથી ફિલ્મ છે. આ પહેલાં ‘RRR’, ‘બાહુબલી 2’ અને ‘દંગલે’ વિશ્વના બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી.