બર્લિન-ફિલ્મોત્સવમાં રજૂ કરાશે સોનાક્ષી અભિનીત ટીવી-સીરિઝ ‘દહાડ’

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા, વિજય વર્મા અને સોહમ શાહ અભિનીત ટીવી-સીરિઝ ‘દહાડ’ને આવતા મહિને પ્રતિષ્ઠિત બર્લિન ફિલ્મ ફેસ્ટિવલની આગામી આવૃત્તિમાં રજૂ કરવામાં આવનાર છે. બર્લિન ફિલ્મોત્સવમાં ‘દહાડ’નો પ્રીમિયર શો રજૂ કરવામાં આવશે. તેને બર્લિનેલ સીરિઝ કોમ્પીટિશન માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મોત્સવમાં રજૂ થનાર આ પહેલી જ ભારતીય ટીવી સીરિઝ હશે, જે દુનિયાભરની ટીવી સીરિઝ સામે હરીફાઈ કરશે.

8-ભાગવાળી આ ટીવી સીરિઝનાં દિગ્દર્શકો છે – રીમા કાગ્તી અને રુચિકા ઓબેરોય. એમાં ગુલશન દેવૈયા પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ક્રાઈમ-ડ્રામા ટીવી સીરિઝનું શૂટિંગ રાજસ્થાનના એક નાનકડા ગામડામાં કરવામાં આવ્યું હતું. આ સીરિઝમાં, ગામના જાહેર શૌચાલયોમાં મહિલાઓ શ્રેણીબદ્ધ રીતે ભેદી રીતે મૃત હાલતમાં મળી આવ્યાંની અને પોલીસ સ્ટેશનનાં સબ-ઈન્સ્પેક્ટર અંજલિ ભાટીની આગેવાની હેઠળ પોલીસે શરૂ કરેલી તપાસની વાર્તા છે. પ્રાથમિક તપાસમાં આ મરણોને આત્મહત્યા તરીકે ગણવામાં આવે છે, પરંતુ કેસમાં તપાસ આગળ વધ્યા બાદ અંજલિ ભાટીને શંકા જાય છે કે આ હત્યાઓ છે અને સિરિયલ કિલર ફરાર છે.

આ ટીવી શ્રેણીને આ વર્ષના અંતમાં સ્ટ્રીમ કરવામાં આવશે.