સેન્સર બોર્ડે દીપિકાની ‘છપાક’ ફિલ્મને કોઈ કટ વગર પાસ કરી, ‘U’ સર્ટિફિકેટ આપ્યું

મુંબઈ – સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (કેન્દ્રીય સેન્સર બોર્ડ)એ દીપિકા પદુકોણ અભિનીત ‘છપાક’ ફિલ્મને ‘U’ સર્ટિફિકેટ આપ્યું છે અને એને કોઈ પ્રકારની કાપકૂપ વગર પાસ કરી દીધી છે.

સેન્સર બોર્ડ છેલ્લા 4-5 વર્ષથી ઘણું સખત અને રૂઢિવાદી બન્યું છે. અમુક ચોક્કસ ફિલ્મોમાં એણે ઘણા કટ કરવાની નિર્માતાઓને ફરજ પાડી હતી જેને કારણે ઘણા વિવાદો સર્જાયા હતા. પરંતુ એવાય ઘણા દાખલ જોવા મળ્યા છે જેમાં સેન્સર બોર્ડે ફિલ્મના નિર્માણ પાછળનો મૂળ હેતુ સમજ્યો હતો અને ફિલ્મને કોઈ પ્રકારના કાપ વગર પાસ કરી દીધી હતી.

મેઘના ગુલઝાર દિગ્દર્શિત ‘છપાક’ ફિલ્મ 2020ની સાલની પહેલી ફિલ્મ બની છે જેને સેન્સર બોર્ડે કોઈ પ્રકારના રોષ કે વિરોધ વગર પાસ કરી દીધી છે અને એને ‘U’ સર્ટિફિકેટ પણ આપ્યું છે.

દીપિકા પદુકોણ અભિનીત આ ફિલ્મમાં એસિડ હુમલાનો ભોગ બનેલી છોકરી લક્ષ્મી અગ્રવાલનાં જીવન પર આધારિત છે. દીપિકાએ લક્ષ્મીનો રોલ ભજવ્યો છે.

‘છપાક’ ફિલ્મ આવતી 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર 2 ડિસેંબરે રિલીઝ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 6 ડિસેંબરે સેન્સર બોર્ડે એને પાસ કરી દીધી હતી. ફિલ્મ 123 મિનિટની છે.