‘ભાભીજી ઘર પર હૈ’ના એક્ટર દીપેશ ભાણનું નિધન

મુંબઈઃ લોકપ્રિય ટીવી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં લોકપ્રિય ભૂમિકા ભજવનાર મલખાન સિંહ એટલે કે દીપેશ ભાણનું નિધન થયું છે. તે લાંબા સમયથી આ સિરિયલ સાથે જોડાયેલો હતો. એક્ટરના નિધનની પુષ્ટિ શોના અસ્ટિટન્ટ ડિરેક્ટર અભિનિતે કરી હતી. એક્ટર ક્રિકેટ રમતા પડી ગયો હતો, જે પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

એક્ટર દીપેશ ભાણ ‘ભાભીજી ઘર પર હૈ’થી પહેલાં ‘કોમેડીનો કિંગ કૌણ’, ‘કોમેડી ક્લબ’, ‘ભૂતવાલા, FIR ‘ચેમ્પ’ અને ‘સુન યાર ચિલ માર’ સહિત કેટલાય કોમેડી શો કરી ચૂક્યો છે. આ સિવાય તેણે આમિર ખાનની સાથે T20 વર્લ્ડ કપની એડમાં પણ આવ્યો હતો. એ સાથે 2007માં આવેલી ફિલ્મ ફાલતુ ઉટપટાંગ ચટપટી કહાની પણ દીપેશે કામ કર્યો હતો.

દીપેશે દિલ્હીથી ગ્રેજ્યુએશન કર્યા બાદ સીધા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધુ હતું. અહીં તેણે એક્ટિંગનો કોર્સ પૂર્ણ કર્યા બાદ તે વર્ષ 2005માં મુંબઇ આવ્યો હતો. શૉમાં યુવતીઓ સાથે ફલર્ટ કરતો નજર આવતો દીપેશ ભાન રિઅલ લાઇફમાં પરિણીત હતો. દીપેશ ભાનનાં લગ્ન મે 2019માં દિલ્હીમાં થયા હતાં. જાન્યુઆરી 2021માં દીપેશ એક બળકનો પિતા બન્યો હતો. દીપેશ ભાણ દિલ્હીનો રહેવાસી છે અને NSDનો સ્ટુડન્ટ  હતો.