મુંબઈ – જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ સ્વાયત્ત દરજ્જો આપતી કલમ 370ને આજે રદ કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. આ રાજ્યના ભારત સાથેના સંબંધને ધરમૂળથી બદલી નાખવાનો સરકારનો હેતુ છે. હવે જમ્મુ-કશ્મીર રાજ્ય રહ્યું નથી, પણ એનું બે ભાગમાં વર્ગીકરણ કરી દેવામાં આવ્યું છે. જમ્મુ અને કશ્મીર તથા લદાખ. આ બંનેને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવી દેવામાં આવ્યા છે. હવે એમને કોઈ વિશેષ દરજ્જો નહીં મળે.
કશ્મીરમાં જન્મેલા અમુક ફિલ્મ તથા હિન્દી ટીવી સિરિયલ કલાકારોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. આ કલાકારો છે – ઈકબાલ ખાન, મોહિત રૈના, એકતા કૌલ, મુનમુન દત્તા, વિન્દુ દારા સિંહ, કૃતિકા કામરા, ગુરમીત ચૌધરી, સિમ્પલ કૌલ અને નિર્માત્રી એકતા કપૂર.
ઈકબાલ ખાન
‘ફન્ટૂશ… ડ્યૂડ્સ ઈન ધ ટેન્થ સેન્ચુરી’, ‘અનફર્ગટેબલ’, ‘બુલેટઃ એક ધમાકા’, ‘આતિશબાઝ’ જેવી ફિલ્મોમાં ચમકેલો અને કશ્મીરમાં જન્મેલો આ અભિનેતા કહે છે, કશ્મીરમાં શાંતિ લાવવી બહુ જ જરૂરી છે. મને આશા છે અને હું દુઆ કરું છું કે શાંતિની સ્થાપના પ્રાથમિક મુદ્દો બનશે. ‘કશ્મીર હમારા હૈ’ એમ કહેવું આસાન છે, પણ ‘કશ્મીરી ભી તો હમારા હૈ?’ હું આશા રાખું છું કે કશ્મીરની ધરતી એમને માટે પણ ઘર બની રહેશે.
મોહિત રૈના
‘દેવોં કે દેવ મહાદેવ’ સિરિયલનો અભિનેતા મોહિત રૈના જમ્મુમાં ઉછર્યો છે. એણે કહ્યું, આજનો દિવસ ભારતીય બંધારણ માટે ઐતિહાસિક છે. આ કામ ઘણા લાંબા સમયથી પેન્ડિંગ હતું. કશ્મીર ખીણમાં સામાન્ય માનવીઓને એમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવતા હતા, જેમ કે શિક્ષણ અને રોજગાર. હવે કશ્મીર તમામ બાબતમાં મોખરે આવશે. બિઝનેસ ઈન્વેસ્ટરોને રોજગારની અનેક તકો ઊભી કરશે એટલે રાજ્યનો આર્થિક વિકાસ વેગ પકડશે. એને પગલે ખીણવિસ્તારમાં હિંસા ઘટી જશે. છેલ્લા 30 વર્ષમાં લાખો ભારતીય સૈનિકો અને નિર્દોષ લોકોના બલિદાન બાદ માનનીય વડા પ્રધાન મોદીનો આભાર માનું છું કે આપણે આ ઐતિહાસિક દિવસ જોઈ શક્યા છીએ. જય હિંદ.
એકતા કૌલ
‘રબ સે સોહણા ઈશ્ક’, ‘બડે અચ્છે લગતે હૈં’ સિરિયલોની અભિનેત્રી એકતા જન્મે કશ્મીરી પંડિત યુવતી છે. એનું કહેવું છેઃ લગ્ન થયા બાદ મને ખબર પડી હતી કે કશ્મીરમાં અમુક બાબતો કરી શકાતી નથી કે અમુક બાબતોના તમે હિસ્સેદાર બની શકતા નથી એને કારણે હું ચિંતામાં હતી. બધું સાવ બદલાઈ ગયું હતું. મને કાયમ ત્યાં જમીનનો પ્લોટ કે પ્રોપર્ટી ખરીદવાની અને ત્યાં પાછાં જવાની ઈચ્છા થતી હતી, પણ મારાં લગ્ન થઈ ગયા હતા એટલે અચાનક હું એ રાજ્યનો હિસ્સો મટી ગઈ હતી. હવે મને આશા છે કે એ બધું બદલાઈ જશે.
મુનમુન દત્તા
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલની અભિનેત્રી મુનમુને ટ્વીટ કરીને કહ્યું છે કે, મને તો હર્ષનાં આંસુ આવી ગયા છે. આખરે સંગઠિત કશ્મીર બન્યું, સંગઠિત ભારત બન્યું. મોદી સરકારનું કેવું ઐતિહાસિક પગલું છે. ભારત આજે ઉજવણી કરી રહ્યો છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ આપને મોટી સલામ. એક દેશ, એક રાષ્ટ્ર, એક કાયદો, દરેક માટે સમાન નાગરી ધારો.
વિન્દુ દારા સિંહ
વિન્દુ હાલ ‘નચ બલિયે 9’માં જોવા મળ્યો છે. એણે ટ્વીટ કરીને જણાવ્યું કે, કશ્મીરમાં હવે શાંતિ અને આબાદીનું ફરીથી આગમન થશે. હવે એ આપણા પ્રિય ભારતનો અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. કશ્મીરી લોકોએ આટલા વર્ષોથી ઘણું ભોગવ્યું છે, પણ હવે એને પૃથ્વી પરનું સૌથી સુંદર પર્યટન સ્થળ બનવા દઈએ. જમ્મુ અને કશ્મીર.
કૃતિકા કામરા
કૃતિકાએ કહ્યું કે મને આશા છે કે આ નિર્ણયથી જમ્મુ અને કશ્મીરમાં શાંતિ થશે. મને ખાતરી છે કે ત્યાં હવે એક નવી શરૂઆત થશે. ખીણપ્રદેશમાં જનજીવન અને ઉદ્યોગોમાં સુધારો આવશે. #Article370Scrapped #Kashmir. કશ્મીરીઓનો વિશ્વાસ જીતવા માટે આપણે બધું જ કરી છૂટવું જોઈએ. આશા રાખીએ કે ટૂંક સમયમાં જ ત્યાં પરિસ્થિતિ રાબેતા મુજબની બને અને સંદેશવ્યવહાર તથા ઈન્ટરનેટ સેવા પ્રસ્થાપિત થાય.
ગુરમીત ચૌધરી
મેં મારું બાળપણ કશ્મીરમાં લશ્કરી છાવણીઓમાં વિતાવ્યું હતું એટલે મને તો કાયમ એમ જ થાય કે હું ત્યાંનો જ છું. હવે જ્યારે 370મી કલમ રદ કરવામાં આવે છે ત્યારે કશ્મીરમાં ઘર ખરીદવાનું અને ધંધો કરવાનું મારું સપનું સાકાર થશે. સીમાચિન્હરૂપ નિર્ણયને મારો આવકાર છે. રોમાંચિત છું. જય હિંદ.
એકતા કપૂર
ટીવી સિરિયલો અને ફિલ્મોની નિર્માત્રી એકતાએ ટ્વીટ કર્યું કે આ નિર્ણય બહુ ઉદ્દામવાદી છે, પરંતુ સમય મુજબ જરૂરી છે. એટલી આશા રાખીએ કે કશ્મીર સુરક્ષિત રહે. ઐતિહાસિક દિવસ.
સિમ્પલ કૌલ
‘શરારત’ સિરિયલની અભિનેત્રીએ કહ્યું છે, હું મૂળ કશ્મીરી છું, પણ મારો જન્મ અને ઉછેર કશ્મીરની બહાર થયો હતો એટલે મને કશ્મીરમાં જમીન કે પ્રોપર્ટી ખરીદવાની છૂટ નથી. કેટલું વિચિત્ર કહેવાય. મને આનંદ થયો છે કે 370મી કલમ રદ થતાં હવે કોઈ પણ વ્યક્તિ કશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શકશે અને ત્યાં સરકારી નોકરી પણ કરી શકશે.