મુંબઈ – બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના મેનેજર, સેક્રેટરી તરીકે 36 વર્ષ સુધી કામ કરનાર અને ફિલ્મ નિર્માતા શીતલ જૈનનું મુંબઈમાં નિધન થયું છે. એ 77 વર્ષના હતા.
પોતાના આ જૂના સહયોગીના અવસાન બદલ અમિતાભે બ્લોગ લખીને દુઃખ વ્યક્ત કર્યું છે.
શીતલ જૈને અમિતાભ-ગોવિંદાને લઈને ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મ બનાવી હતી.
અહેવાલો અનુસાર, શીતલ જૈને ઊંઘમાં જ અંતિમ શ્વાસ લીધો હતો.
જૈનનાં અંતિમ સંસ્કાર શનિવારે સાંજે વિલે પારલે (વેસ્ટ)ના પવનહંસ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા. એમાં અમિતાભ, એમના પુત્ર અભિષેક અને પુત્રવધુ ઐશ્વર્યાએ હાજરી આપી હતી.
અમિતાભ અને અભિષેકે મળીને શીતલ જૈનની અર્થી ઉપાડવામાં મદદ કરી હતી.
અમિતાભે બાદમાં એમના બ્લોગમાં જૈનને શબ્દાંજલિ અર્પણ કરી હતી અને એમને એક સાદા-સરળ માનવી તરીકે યાદ કર્યા હતા.
અમિતાભે લખ્યું છે કે ‘શીતલ જૈન એમની પ્રામાણિક અને નિષ્ઠા તરીકે યાદ રહેશે. એમણે લગભગ 40 વર્ષ સુધી મારા કામનો બોજો ઉઠાવ્યો હતો. એ મૃદુ સ્વભાવના, ખંતીલા, કામમાં ચીવટવાળા, નમ્ર, નિષ્ઠાવાન અને પ્રામાણિક હતા… આજે એમની અંતિમ સફર વખતે એમની અર્થી ઉપાડવામાં મેં મદદ કરી હતી.’
‘શીતલ જૈન મારા મેનેજર, સેક્રેટરી હતા… એ મારી ચડતી-પડતીના સમયમાં મારી સાથે રહ્યા હતા… હોસ્પિટલમાં ટૂંકી, પણ આકરો જંગ ખેલીને આજે સવારે અવસાન પામ્યા હતા.. મારી સાથે એમનો સંગાથ 40 વર્ષનો રહ્યો.. એ પરિવારના એક સભ્ય જેવા જ હતા,’ એમ બચ્ચને વધુમાં લખ્યું છે.
છેલ્લે ‘બદલા’ ફિલ્મમાં અભિનય કરનાર બચ્ચને એમ પણ લખ્યું કે ‘જૈનના નિધનથી એમના કાર્યાલય અને પરિવારમાં શૂન્યાવકાશ સર્જાયો છે.’
અમિતાભ ઉપરાંત અભિનેતા અનુપમ ખેર અને દિગ્દર્શક મધુર ભંડારકરે પણ શીતલ જૈનને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.