લંડન – બ્રિટનના એક જનમતમાં બોલીવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી આલિયા ભટ્ટને 2019ની સાલ માટે એશિયાની સૌથી સેક્સી મહિલા તરીકે પસંદ કરવામાં આવી છે.
આ જનમત ‘ઈસ્ટર્ન આય’ નામના સાપ્તાહિકે કરાવ્યો હતો.
આલિયા માટે આ ડબલ આનંદનાં સમાચાર છે, કારણ કે એની ‘ગલી બોય’ ફિલ્મને ઓસ્કર એવોર્ડ્સમાં વિદેશી ફિલ્મોની કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે.
વર્ષ 2019ની એશિયાની સૌથી સેક્સી મહિલા તરીકેનું સમ્માન આલિયાએ મેળવ્યું છે જ્યારે તેની સહ-અભિનેત્રી દીપિકા પદુકોણે દાયકાની સૌથી સેક્સી મહિલા તરીકેનું બિરુદ મેળવ્યું છે.
આ ઓનલાઈન પોલનાં પરિણામો લંડનમાં રિલીઝ કરવામાં આવ્યા છે.
‘ઈસ્ટર્ન આય’ મેગેઝિનના એન્ટરટેઈનમેન્ટ તંત્રી અને આ યાદીનાં સ્થાપક અસજાદ નઝીરે કહ્યું કે, આલિયા ભટ્ટ એની કારકિર્દીમાં ઝડપભેર આગળ વધી રહી છે. કમર્શિયલ હિન્દી સિનેમાનાં હવે પછીના દાયકામાં આલિયાનાં વર્ચસ્વને કોઈ રોકી શકે એમ નથી. એ ફિલ્મ અભિનેત્રી કરતાં કન્યાશક્તિની પ્રતિક બની છે, જે આધુનિક જમાનાની સશક્તિકરણ પામેલી મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
2018ની સાલમાં યોજવામાં આવેલા જનમતમાં દીપિકા પદુકોણ પહેલા નંબરે રહી હતી. આ વખતે એ આલિયા બાદ બીજા નંબરે છે, પરંતુ દાયકાની સૌથી સેક્સી એશિયન મહિલાનો નંબર તો એણે જ જાળવી રાખ્યો છે.
સૌથી વધારે કમાણી કરતી ટીવી અભિનેત્રી હીના ખાન 2019ની યાદીમાં ત્રીજા નંબરે આવી છે. ચોથા નંબરે પાકિસ્તાનની અભિનેત્રી માહિરા ખાન છે, જેણે દુનિયામાં સૌથી સેક્સી પાકિસ્તાની મહિલા તરીકેનું બિરુદ સતત પાંચમા વર્ષે મેળવ્યું છે. દાયકાની સૌથી સેક્સી પાકિસ્તાની મહિલાનું બિરુદ પણ માહિરાએ જ મેળવ્યું છે.
વર્ષ 2019ની યાદીની ટોપ-10ની અન્ય મહિલાઓ છેઃ સુરભિ ચંદના, કેટરીના કૈફ, શિવાંગી જોશી, નિયા શર્મા, મેહવીશ હયાત અને પ્રિયંકા ચોપરા.
આ યાદીમાં સૌથી યુવાન વયની મહિલા બની છે 21 વર્ષીય બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડે. યાદીમાં એ 36મા નંબરે છે જ્યારે સૌથી મોટી ઉંમરની સ્ત્રી છે ઐશ્વર્યા રાય બચ્ચન, જે 46 વર્ષની છે અને યાદીમાં 39મા નંબરે છે.