મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ હવે પરિણીત સ્ત્રી છે. પરંતુ સહ-અભિનેત્રીઓ સોનમ કપૂર કે પ્રિયંકા ચોપરાની જેમ એ પોતાની અટક બદલવાની નથી.
આનંદ આહુજા સાથે સોનમે અને અમેરિકન સિંગર નિકોલસ (નિક) જોનાસ સાથે પ્રિયંકાએ લગ્ન કર્યાં બાદ એમણે પોતપોતાની અટક બદલી નાખી છે.
સોનમે સોશિયલ મિડિયા પર પોતાનું નવું નામ ધારણ કર્યું છે, Sonam K Ahuja અને પ્રિયંકાએ ધારણ કર્યું છે નવું નામ પ્રિયંકા ચોપરા જોનાસ.
પરંતુ રણવીર સિંહ ભવનાની સાથે લગ્ન કર્યા બાદ દીપિકા પોતાની અટક પદુકોણમાંથી બદલીને ભવનાની કરવાની નથી.
દીપિકાએ ઊલટાનું મજાકમાં એમ કહ્યું છે કે પોતે અટક નહીં બદલે, પણ એનો પતિ રણવીર સિંહ પદુકોણ સરનેમ ધારણ કરશે.
એક ચેટ શોમાં, રણવીર સિંહને જ્યારે અટક વિશે પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું કે, મેં મારી અટક પડતી મૂકી દીધી છે. એટલે મારે નવી અટકની જરૂર છે તો શા માટે પદુકોણ અટક ન અપનાવું? આ અટક તો દંતકથા બની ગઈ છે.
રણવીરે પોતાના નામની પાછળ એની ભવનાની અટક લખાવવાનું છોડી દીધું છે અને પોતાને સૌ રણવીર સિંહ તરીકે ઓળખે એવું ઈચ્છે છે, પરંતુ હવે તે પોતાની અટક તરીકે પદુકોણ લખવા તૈયાર છે. રણવીરનું કહેવું છે કે એ વિક્રમસર્જક બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણનો આમેય ચાહક રહ્યો છે, જે યોગાનુયોગ દીપિકાનાં પિતા છે.
એક ઈન્ટરવ્યૂમાં જ્યારે દીપિકાને નવી અટક વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે એણે કહ્યું કે અટક બદલવાની વાતને હું મહત્ત્વ આપતી નથી. મેં મારી ઓળખ ઊભી કરવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે અને એવો જ સંઘર્ષ રણવીરે પણ કર્યો છે. તેથી મારો સામો પ્રશ્ન છે કે અટક વિશે અમારે ટેન્શન શા માટે રાખવું જોઈએ?