મુંબઈઃ 32 વર્ષીય ટેલિવિઝન એક્ટર અને મોડેલ આદિત્યસિંહ રાજપૂતના ગઈ કાલે અહીં અંધેરી (વેસ્ટ)સ્થિત નિવાસસ્થાને નિપજેલા ઓચિંતા મૃત્યુને કારણે મનોરંજન જગતમાં આઘાત અને શોકનું વાતાવરણ ફરી વળ્યું છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે આદિત્યનું સ્વાસ્થ્ય સારું નહોતું અને કથિતપણે એના ઘરના બાથરૂમમાં પડી જવાથી માથામાં ગંભીર ઈજા થવાને કારણે એનું મૃત્યુ થયું હતું. ડ્રગ્સના ઓવરડોઝને કારણે આદિત્યનું મૃત્યુ થયાની અટકળોનો આ સાથે અંત આવી જાય છે.
આદિત્યના મૃતદેહનું ગોરેગાંવ (વેસ્ટ)સ્થિત સરકાર સંચાલિત સિદ્ધાર્થ હોસ્પિટલમાં પોસ્ટ-મોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃતદેહ આદિત્યના પરિવારને સુપરત કરી દેવામાં આવ્યો હતો જેથી તેઓ બપોરે જોગેશ્વરી ખાતેની સ્મશાનભૂમિમાં તેના અંતિમસંસ્કાર કરી શક્યા હતા. આદિત્યના માતાએ પુત્રનો મૃતદેહ સ્વીકાર્યો હતો.
પોલીસે ત્રણ વ્યક્તિના નિવેદનો નોંધ્યા છે. એક છે તેનો ઘરનોકર, બીજા છે એક ખાનગી ડોક્ટર અને ત્રીજો છે મકાનનો વોચમેન. આદિત્ય એના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
આદિત્યના શરીર પર ઈજાના બે નિશાન જોવા મળ્યા હતા. એક, એના કાનની ઉપર ચીરો જોવા મળ્યો હતો અને બીજું, એના માથા પર ઈજા થઈ હતી. તે ઈજા કદાચ પડી જવાથી થઈ હોય એવું લાગે છે.
ઘરનોકરે પોલીસને કહ્યું કે છેલ્લા અમુક દિવસોથી આદિત્યની તબિયત સારી નહોતી. એને ખાંસી, શરદી થયા હતા અને ઊલટીઓ પણ થઈ હતી.
પોલીસનું કહેવું છે કે આદિત્યએ રવિવારે એક પાર્ટીમાં ભાગ લીધો હતો, પરંતુ એમાં તેણે કંઈ ખાધું હતું કે કેમ તે પોસ્ટ-મોર્ટમના અહેવાલ પરથી જ જાણી શકાશે.
ઘરનોકરે કહ્યું કે, આદિત્ય સોમવારે સવારે 11 વાગ્યે જાગ્યો હતો અને નાશ્તામાં પરાઠા ખાધા હતા. એ પછી એની તબિયત બગડી હતી અને એને સતત ઊલટીઓ થઈ હતી. એ પછી એણે ખીચડી ખાવાની ઈચ્છા દર્શાવી હતી. બપોરે બે-અઢી વાગ્યા વચ્ચે આદિત્ય બાથરૂમમાં ગયો હતો. ત્યારે અંદરથી કંઈક જોરથી પડવાનો અવાજ આવ્યો હતો. પોતે ત્યાં દોડી ગયો હતો. જોયું તો આદિત્ય જમીન પર પડી ગયો હતો અને એને નજીવી ઈજા થઈ હતી.
વોચમેનનું કહેવું છે કે ઘરનોકરે એને બોલાવ્યો હતો. પોતે ઘરમાં ગયો અને જોયું તો આદિત્ય બેભાન હતો. અમે તેને પલંગ પર સૂવડાવ્યો હતો અને તે પછી નજીકની એક હોસ્પિટલમાંથી એક ડોક્ટરને બોલાવ્યા હતા. તે ડોક્ટરની સલાહ મુજબ આદિત્યને એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે સાથે જ આદિત્યની ગર્લફ્રેન્ડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં એને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં જોગેશ્વરનીમાં ટ્રોમા કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ એને મૃત લાવેલો ઘોષિત કર્યો હતો.
મૂળ ઉત્તરાખંડનો, પણ દિલ્હીમાં જન્મેલો આદિત્ય 17 વર્ષનો હતો ત્યારથી મનોરંજન ક્ષેત્રમાં પ્રવેશ્યો હતો. એણે ‘ક્રાંતીવીર’ અને ‘મૈંને ગાંધી કો નહીં મારા’ ફિલ્મોમાં કામ કર્યું હતું.