દિલ્હી મેટ્રો ટ્રેનમાં સતામણીનો થયેલો કડવો અનુભવ સાન્યા મલ્હોત્રાએ શેર કર્યો

મુંબઈઃ ‘દંગલ’ ફિલ્મમાં કામ કરીને જાણીતી થયેલી અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ જિંદગીમાં પોતાને થયેલા એક ખરાબ અનુભવની જાણકારી આપી છે. એણે કહ્યું કે દિલ્હીની એક મેટ્રો ટ્રેનમાં એની છેડતી કરવામાં આવી હતી. ‘હું ત્યારે નિઃસહાય સ્થિતિમાં હતી. હું એકલી જ હતી. મને ખબર હતી કે જો હું જરાક પણ અવાજ ઉઠાવીશ તો કંઈ પણ બની ગયું હોત.’ એમ તેણે કહ્યું.

મુંબઈસ્થિત મિડિયા કંપની હોટરફ્લાઈને આપેલી એક મુલાકાતમાં સાન્યાએ કહ્યું હતું કે, ‘અમુક વર્ષ અગાઉ સાંજના સમયે હું  જ્યારે મારી કોલેજમાંથી મેટ્રો ટ્રેન દ્વારા મારાં ઘેર જતી હતી ત્યારે છોકરાઓનું એક ગ્રુપ પણ ટ્રેનમાં ચડ્યું હતું. એ લોકોએ મારી છેડતી કરવાનું શરૂ કર્યુ હતું અને મને સ્પર્શ પણ કર્યો હતો. હું ટ્રેનમાંથી ઉતરી ગઈ ત્યાં સુધી તેઓ એવી હરકત કરતા રહ્યા હતા.’ સાન્યાએ વધુમાં કહ્યું કે, ત્યારે પોતે એકલી હતી અને એને પોતાની સલામતીનો ડર લાગ્યો હતો. તેથી એ ચૂપ રહી હતી. ‘મારી કમનસીબી એ હતી કે એ વખતે ટ્રેનમાં બેઠેલી કોઈ વ્યક્તિ મારી મદદે આવી નહોતી. રાજીવ ચોક સ્ટેશને જ્યારે પોતે ઉતરી ત્યારે એ તોફાની છોકરાઓ એનો પીછો કરતા હતા. સારું થયું કે સ્ટેશન પર બહુ ગિરદી હતી અને હું દોડીને વોશરૂમમાં જતી રહી. બાદમાં તરત જ મેં મારા પિતાને ફોન કર્યો હતો અને એમને કહ્યું હતું કે તેઓ સ્ટેશને આવીને મને લઈ જાય,’ એમ સાન્યાએ વધુમાં કહ્યું હતું.