પૃથ્વી દિવસ: સમગ્ર વિશ્વમાં જાગૃતિના કાર્યક્રમો યોજાયા, ઈન્દ્રોડા નેચર પાર્કમાં સાફ સફાઈ કરી એક ગાડી કચરો દૂર કરાયો

સમગ્ર દુનિયાના દેશ દર વર્ષે 22 એપ્રિલે અર્થ ડે કે પૃથ્વી દિવસ મનાવે છે. પૃથ્વી અને તેના વાતાવરણને સુરક્ષિત કરવાના હેતુથી લોકોને જાગૃત કરવા માટે પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. ભારત સહિત લગભગ 195થી વધુ દેશ પૃથ્વી દિવસ મનાવે છે. પૃથ્વીના મહત્વને સમજતા અને તેની રક્ષા માટે સમગ્ર વિશ્વના લોકોએ એક દિવસની પસંદગી કરી જેને હવે વિશ્વ પૃથ્વી દિવસના નામથી ઓળખવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં 22, એપ્રિલ 1970 થી  ‘પૃથ્વી દિવસ ‘ જાહેર કરવામાં આવ્યો હતો. વિશ્વમાં  જળ,વાયુ, પાણી જેવા તત્વોનું સંવર્ધન થાય અને પૃથ્વી પર વસતા તમામ જીવોને સ્વચ્છ હવા, પાણી, વાયુ મળી રહે અને સાથે સાથે પર્યાવરણની જાળવણી થાય એ માટે સૌ લોકો પ્રયાસ કરવામાં આવે છે. એ માટે દર વર્ષે ‘ વિશ્વ પૃથ્વી દિવસ’ પર જુદા જુદા કાર્યક્રમો અને વિષયો સાથે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવે છે.

આ વર્ષે  ‘ ઇન્વેસ્ટ ઈન પ્લેનેટ ‘ વિષય છે. પૃથ્વીમાં જળ બચાવવા, વાયુ પ્રદુષણ અટકાવવા અને વૃક્ષો ને ઉછેરી સંવર્ધન કરવાની જવાબદારી વિષે આ વર્ષે ભાર મુકવામાં આવ્યો છે. પૃથ્વી દિવસની આજ વાતને સાર્થક કરવા ગાંધીનગર ઈન્દ્રોડા પાર્કથી એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગીર ફાઉન્ડેશન અને વન શ્રી ટ્રસ્ટ દ્વારા સમગ્ર નેચર પાર્કને સ્વચ્છ કરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.

વનશ્રી ટ્રસ્ટના અંજના નિમાવત ચિત્રલેખા. કોમની સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અત્યારે લોકો પોતાની અનુકુળતા માટે પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો ગમે ત્યાં ઘા કરી ફેંકી દેતા હોય છે. જેનાથી ગંદકી વધતી જાય છે. પર્યાવરણને નુકસાન થાય છે. ગીર ફાઉન્ડેશન, વન વિભાગના કર્મચારીઓ, વન શ્રી ટ્રસ્ટના કાર્યકર્તાઓએ ભેગા મળી એક આખી ગાડી ભરાય એટલી 60 થી 70 કીલો જેટલી કોથળીઓ સાથે કચરો એકઠો કરીને પાર્કમાંથી દૂર કર્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તારમાં સતત વધારો થતો જાય છે. વૃક્ષોનું યોગ્ય જતન થતું નથી. પ્લાસ્ટિક, કલર, ઘન કચરો અને પર્યાવરણને નુકશાન થાય એવી ચીજવસ્તુઓનો યોગ્ય નિકાલ કર્યા વગર ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં સમુદ્ર, નદીઓ, જંગલો, ખુલ્લી જગ્યાઓ અને કેનાલો  તમામ પ્રકારના માનવ સર્જિત પ્રદુષણનો શિકાર થઈ રહ્યા છે.

આ પૃથ્વી દિવસ પર સમગ્ર વિશ્વમાં અસંખ્ય સેમિનારો, પ્રદર્શનો અને સ્વચ્છતા ઝુંબેશના પ્રયાસ થયા હશે. પરંતુ સૌ જવાબદારી સાથે ધરતી પરના દરેક તત્વોની જાળવણી કરે તો જ વિશ્વ પૃથ્વી દિવસનું મહત્વ વધશે.

રિપોર્ટ : પ્રજ્ઞેશ વ્યાસ