ટ્રમ્પનું નાટો દેશોને છેલ્લું અલ્ટીમેટમ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે નાટો (NATO) દેશોને આકરું અલ્ટીમેટમ આપ્યું છે. ઈરાન સાથેના 14 દિવસના કામચલાઉ યુદ્ધવિરામ છતાં આ દરિયાઈ માર્ગ હજુ પણ આંશિક રીતે બંધ છે, જેના કારણે વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે. ટ્રમ્પે નાટો મહાસચિવ માર્ક રુટને જણાવી દીધું છે કે યુરોપિયન દેશોએ હવે નક્કી કરવું પડશે કે તેઓ આ માર્ગ ખોલાવવા માટે અમેરિકાને કેવી રીતે મદદ કરશે. ટ્રમ્પના આ કડક વલણને કારણે અમેરિકા અને તેના યુરોપિયન સહયોગીઓ વચ્ચેના સંબંધોમાં તણાવ વધવાની શક્યતા છે.

અમેરિકા અને નાટો વચ્ચેના સંબંધોમાં અત્યારે ખેંચતાણ જોવા મળી રહી છે. સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસ, પેન્ટાગોન અને વિદેશ વિભાગમાં થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ટ્રમ્પે યુરોપિયન દેશોની નિષ્ક્રિયતા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પનું માનવું છે કે જ્યારે અમેરિકા વૈશ્વિક સુરક્ષા માટે લડી રહ્યું હોય ત્યારે નાટો દેશોએ માત્ર પ્રેક્ષક બનીને જોવું જોઈએ નહીં. નાટો મહાસચિવ માર્ક રુટ સાથેની વાતચીતમાં ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું હતું કે આગામી થોડા દિવસોમાં જ તમામ સહયોગી દેશોએ પોતાની યોજના સ્પષ્ટ કરવી પડશે કે તેઓ હોર્મુઝની સુરક્ષા માટે કેવી રીતે અને કેટલું યોગદાન આપશે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાટો પર નિશાન સાધતા લખ્યું હતું કે, “જ્યાં સુધી દબાણ અથવા જોર-જબરદસ્તીથી સમજાવવામાં ન આવે ત્યાં સુધી આ દેશો ગંભીર મુદ્દાઓને સમજતા નથી.” તેમણે એમ પણ ઉમેર્યું કે જ્યારે અમેરિકાને ખરેખર જરૂર હતી ત્યારે નાટો તેની સાથે નહોતું અને ભવિષ્યમાં પણ કદાચ નહીં હોય. ટ્રમ્પના આ નિવેદને ફરી એકવાર અમેરિકા નાટો ગઠબંધનથી અલગ થઈ શકે છે તેવી અટકળોને વેગ આપ્યો છે. જોકે, બ્રિટન સહિત ૪૦ થી વધુ દેશો, જેમાં જાપાન અને કેનેડાનો પણ સમાવેશ થાય છે, તેમણે આ દરિયાઈ માર્ગ ખોલવામાં મદદ કરવાની ઈચ્છા દર્શાવી છે, પરંતુ ટ્રમ્પ હવે માત્ર વાતો નહીં પણ નક્કર કાર્યવાહી ઈચ્છી રહ્યા છે.