નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનની મિડિયા સંસ્થા BBC સામે પાંચ અબજ ડોલર (અંદાજે 40,000 કરોડ રૂપિયા)નો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ટ્રમ્પનો આરોપ છે કે BBCએ એક ડોક્યુમેન્ટરીમાં તેમના ભાષણને ખોટી રીતે કાટછાંટ કરીને રજૂ કર્યું, જેને કારણે એવું લાગ્યું કે તેમણે હિંસા માટે ઉશ્કેરણી કરી હતી.
વ્હાઇટ હાઉસમાં બોલતાં ટ્રમ્પે કહ્યું હતું કે હું BBC સામે કેસ કરી રહ્યો છું, કારણ કે તેમણે મારા મોઢામાં એવા શબ્દો નાખ્યા છે, જે મેં ક્યારેય કહ્યા નથી. આ કેસ મિયામીની એક ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો 6 જાન્યુઆરી, 2021એ અમેરિકી સંસદ (કેપિટલ) પર થયેલા હુમલા પહેલાં ટ્રમ્પ દ્વારા આપેલા ભાષણ સાથે સંકળાયેલો છે. ટ્રમ્પનું કહેવું છે કે BBCના એડિટિંગને કારણે તેમની ભૂમિકાને ખોટી રીતે દર્શાવવામાં આવી હતી.
BBCએ ભૂલ સ્વીકારી, પરંતુ વળતર આપ્યું નહીં
BBCના ચેરમેન સમીર શાહે નવેમ્બરમાં સ્વીકાર્યું હતું કે 2024માં પ્રસારિત થયેલા પેનોરામા કાર્યક્રમમાં બતાવવામાં આવેલા એક એડિટેડ વિડિયો કારણે એવો ખોટો સંદેશ ગયો કે ટ્રમ્પે સીધી રીતે હિંસાની અપીલ કરી હતી. ત્યાર બાદ BBCએ માફી માગી અને કાર્યક્રમને હટાવી પણ લીધો હતો. જોકે, BBCએ ટ્રમ્પને કોઈ પણ પ્રકારનું વળતર આપવાનો ઇનકાર કર્યો. શરૂઆતમાં ટ્રમ્પે 10 લાખ ડોલરની માગ કરી હતી, જેને બાદમાં વધારીને પાંચ અબજ ડોલર કરદેવામાં આવી હતી.
આ ડોક્યુમેન્ટરીમાં એવું બતાવવામાં આવ્યું હતું કે ટ્રમ્પે તેમના સમર્થકોને કેપિટલ સુધી ચાલો અને પૂરી તાકાતથી લડો એવી વાત કહી હતી, પરંતુ ટ્રમ્પનો દાવો છે કે fight like hell વાળું નિવેદન ભાષણના બીજા ભાગમાંથી લેવામાં આવ્યું હતું અને તેને ખોટી રીતે જોડવામાં આવ્યું હતું.
ટ્રમ્પના આરોપ
ટ્રમ્પના વકીલે કહ્યું કે BBCએ જાણબૂજીને વિડિયોમાં છેડછાડ કરી હતી અને તેનો ઉદ્દેશ ચૂંટણીને પ્રભાવિત કરવાનો તથા ટ્રમ્પની છબી ખરાબ કરવાનો હતો. તેમણે આરોપ લગાવ્યો કે BBC અગાઉ પણ ટ્રમ્પના ભાષણોને ખોટી રીતે રજૂ કરતું આવ્યું છે.





