કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે રવિવારે દેશભરમાં ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં દેખાવો ચાલી રહ્યા છે. ડોકટરો તેમના સાથીદાર માટે ઝડપી ન્યાયની માંગ કરી રહ્યા છે. મહિલા ડોકટરોનું કહેવું છે કે આરજી કાર મેડિકલ કોલેજની ઘટનાએ એ વાતની પુષ્ટિ કરી છે કે 2012માં દિલ્હીમાં ચાલતી બસમાં એક વિદ્યાર્થી (નિર્ભયા) સાથે ગેંગરેપ અને હત્યા બાદ કડક કાયદા હોવા છતાં ભારતમાં મહિલાઓ અસુરક્ષિત છે.
લાખો પુત્રો અને પુત્રીઓ હવે મારી સાથે છે – પીડિતાના પિતા
ન્યૂઝ એજન્સી અનુસાર પીડિતાના પિતાએ કહ્યું, મારી પુત્રી ગઈ છે, પરંતુ લાખો પુત્ર-પુત્રીઓ હવે મારી સાથે છે. આનાથી મને ઘણી શક્તિ મળી છે અને મને લાગે છે કે અમે આમાંથી કંઈક હાંસલ કરીશું.
ડોક્ટરોની 24 કલાકની હડતાળનો અંત આવ્યો
ડોક્ટરોની 24 કલાકની હડતાળ રવિવારે સવારે 6 વાગ્યે સમાપ્ત થઈ ગઈ હતી. IAAએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે ભારતમાં 60 ટકા ડૉક્ટરો મહિલાઓ છે, તેથી તેમણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે હોસ્પિટલના સ્ટાફને એરપોર્ટ જેવા સુરક્ષા પ્રોટોકોલથી સુરક્ષિત કરવામાં આવે.
ગુજરાતના ટ્રેઇની ડોકટરો ત્રીજા દિવસે પણ ઓપીડી સેવાથી દૂર
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પીએમ મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સ કાર્યસ્થળ પર શાંતિપૂર્ણ વાતાવરણ, સલામતી અને સુરક્ષા માટે હકદાર છે. દરમિયાન, પીએમના ગૃહ રાજ્ય ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં 6,000 થી વધુ તાલીમાર્થી ડોકટરો રવિવારે ત્રીજા દિવસે પણ ઓપીડી સેવાઓથી દૂર રહ્યા હતા. જોકે, ખાનગી હોસ્પિટલોમાં સેવાઓ ફરી શરૂ થઈ હતી.
ડોકટરોએ કામ પર પાછા ફરવા વિનંતી કરી
સરકારે ડોકટરોને ડેન્ગ્યુ અને મેલેરિયાના વધતા જતા કેસોની સારવાર માટે કામ પર પાછા ફરવા વિનંતી કરી છે, જ્યારે આરોગ્ય વ્યાવસાયિકોની સલામતી સુધારવા માટે પગલાં સૂચવવા માટે એક સમિતિની રચના કરી છે.