ચીનના ગ્યોરોંગ પોર્ટ પર ભૂસ્ખલનનો કાળમુખો કોપ

નેપાળમાં આવેલા વિનાશકારી ફ્લેશ ફ્લડની સાથે જ પડોશી દેશ ચીનમાં પણ કુદરતનો ભયાનક કોપ જોવા મળ્યો છે. ચીન-નેપાળ સરહદે આવેલા મહત્વપૂર્ણ ગ્યોરોંગ (Gyirong) પોર્ટ પાસે સર્જાયેલા ભીષણ ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) અને કાદવ-કાટમાળના પૂરના કારણે પોર્ટ સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ૪૯ ભારતીયો સહિત ૨૩ વિવિધ દેશોના ૨૬૧ નાગરિકો ગુમ હોવાના અહેવાલ સામે આવ્યા છે.

દક્ષિણ-પશ્ચિમ ચીનના શિઝાંગ (તિબેટ) સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં મોટા પાયે વિદેશી નાગરિકો અને પ્રવાસીઓ અસરગ્રસ્ત થયા છે. ગુમ થયેલા લોકોમાં સૌથી વધુ ૧૦૪ નાગરિકો નેપાળના છે, જ્યારે ૪૯ ભારતીયો, લાતવિયાના ૩૩, અમેરિકાના ૧૮ અને બ્રિટનના ૧૫ નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાન્સ, રશિયા અને મલેશિયા જેવા દેશોના નાગરિકો પણ કાટમાળ હેઠળ દટાયા હોવાની આશંકા છે.

ચીની તંત્ર દ્વારા જાહેર કરાયેલા ઈમરજન્સી હેલ્પલાઈન નંબર:

તિબેટ સરકારે ગુમ થયેલા લોકોની શોધખોળ અને પરિજનો માટે ૨૪ કલાક કાર્યરત રહેતા બે ખાસ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે:

+86-891-6817165

+86-183-0802-6705

શિઝાંગ પ્રાદેશિક સરકારે વિવિધ દેશોના દૂતાવાસો અને રાજદ્વારીઓને આ આફત અંગેની સમગ્ર પરિસ્થિતિ અને બચાવ કામગીરીની વિગતો પૂરી પાડી છે. જાહેર સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને પ્રવાસન વિભાગની સંયુક્ત ટીમો ઘટનાસ્થળેથી કાટમાળ હટાવીને ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહી છે. ચીની વહીવટી તંત્રે સ્થાનિક નાગરિકોને પણ અપીલ કરી છે કે જો કોઈ વિદેશી નાગરિક અસહાય હાલતમાં મળી આવે તો તેમને આશ્રય આપી ત્વરિત સરકારને જાણ કરે.