નેપાળના સંસદ ભવનમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓઃ અનેક શહેરોમાં કરફ્યુ

કાઠમંડુઃ નેપાળમાં હજારોની સંખ્યામાં યુવાનોએ કાઠમંડુ સહિત અનેક શહેરોમાં આજે પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન સોશિયલ મિડિયા પરના પ્રતિબંધ, ભ્રષ્ટાચાર અને આર્થિક મંદી સામે છે. વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર વિરુદ્ધ આ Gen-Z રેવોલ્યુશન શરૂ થયું છે. એ દરમિયાન પ્રદર્શનકારીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ વિરોધને ધ્યાનમાં રાખીને કાઠમંડુના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રદર્શન દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા છે, જ્યારે ગોળી વાગવાથી એક પ્રદર્શનકારીનું મોત થયું છે.

વડા પ્રધાન કેપી ઓલીની સરકારે ચોથી સપ્ટેમ્બરે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને X સહિત 26 સોશિયલ મિડિયા એપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. નેપાળ સરકારે અનેક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર રોક લગાવ્યા બાદ સોમવારે રાજધાની કાઠમંડુ સહિત અનેક શહેરોમાં ગુસ્સે ભરાયેલા યુવાનો પોલીસ બેરિકેડ તોડી અને ગેટ કૂદી સંસદ ભવનમાં ઘૂસી ગયા. આ પ્રદર્શનકારીઓએ શરૂઆતમાં શાંતિ જાળવવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને વિખેરવા માટે ટિયર ગેસ અને પાણીનો મારાનો ઉપયોગ કર્યો ત્યાર બાદ પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ. આ પ્રદર્શનમાં Gen-Z સ્કૂલ યુનિફોર્મમાં પણ જોડાયા. તેમણે સોશિયલ મિડિયા પરથી પ્રતિબંધ દૂર કરવાની, ભ્રષ્ટાચાર બંધ કરવાની, નોકરી અને ઈન્ટરનેટ એક્સેસની માગ કરી હતી.

26 સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ

મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિસ અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓને રજિસ્ટ્રેશન માટે 28 ઓગસ્ટથી સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે બુધવાર રાત સુધી સમયમર્યાદા પૂરી થતાં કોઈ પણ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જેમાં મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ), અલ્ફાબેટ (યુટ્યુબ), X (પૂર્વે ટ્વિટર), રેડિટ અને લિન્કડઇન સામેલ છે, એમાંથી કોઈએ રજિસ્ટ્રેશન સંબંધિત અરજી કરી નહોતી.

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ દેશમાં બિનરજિસ્ટર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના તેમની સરકારના નિર્ણયને સમર્થન આપતાં રવિવારે કહ્યું હતું કે રાષ્ટ્રને નબળું કરવાની કોશિશ ક્યારેય સહન કરવામાં નહીં આવે.