નવી દિલ્હી:દિલ્હી હાઈકોર્ટે નરૈના ગામના ચિન્ટૂ પાર્ક ખાતે છઠ્ઠ પૂજા (Chhath Puja)નું આયોજન કરવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કોર્ટે અવલોકન કર્યું છે કે કોઈ ચોક્કસ જગ્યાએ લાંબા સમયથી ધાર્મિક આયોજન થતું આવ્યું છે માત્ર એ વાતના આધારે સાર્વજનિક હરિયાળી ક્ષેત્ર (Green Area)ના ઉપયોગને યોગ્ય ઠેરવી શકાય નહીં.
જસ્ટિસ જસમીત સિંહેશ ચિન્ટૂ પાર્કના આશરે ૧,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૧૫ અને ૧૬ નવેમ્બરે સંધ્યા અને ઉષા અર્ધ્ય આપવાની મંજૂરી માંગતી અરજી ફગાવી દીધી છે. અરજદાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ૨૩ વર્ષથી આ સ્થાન પર છઠ્ઠ પૂજા યોજાતી રહી છે અને ઉત્સવ પૂર્ણ થયા બાદ પાર્કને મૂળ સ્થિતિમાં પરત લાવવાની બાંહેધરી પણ આપવામાં આવી હતી.
જોકે, દિલ્હી વિકાસ મંત્રાલય અથવા ડીડીએ (DDA) દ્વારા આ અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. ડીડીએનું કહેવું હતું કે આ પાર્કને વૃક્ષો અને ફૂલોથી સજ્જ હરિયાળી ક્ષેત્ર તરીકે જાળવવામાં આવી રહ્યો છે અને ત્યાં આવા મોટા આયોજનથી તેની જાળવણી પર માઠી અસર પડી શકે છે.
કોર્ટે પોતાના નિર્ણયમાં એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ઉત્સવ ઉજવવા માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે, તેથી સાર્વજનિક ગ્રીન એરિયાને નુકસાન પહોંચાડીને ત્યાં આયોજન કરવાની કોઈ આવશ્યકતા નથી.






