વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર : એકનું મોત, ચાર ઇજાગ્રસ્ત

અમેરિકા: રાજધાની વોશિંગ્ટન ડીસી (Washington DC)માં વ્હાઇટ હાઉસથી માત્ર એક માઇલના અંતરે આવેલા ‘લોગન સર્કલ’ (Logan Circle) વિસ્તારમાં ભીષણ ગોળીબારની ઘટના બની છે. ગુરુવારે સવારે વ્યસ્ત સમયે બનેલી આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ હુમલાખોરે પણ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.

જીમ અને બહારના વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર

મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ (MPD) ના જણાવ્યા અનુસાર, સવારે લગભગ ૮ વાગ્યે ૧૫મી સ્ટ્રીટ પર આવેલા ‘VIDA ફિટનેસ જીમ’ (VIDA Fitness gym)ની અંદર એક બંદૂકધારી ઘૂસી આવ્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, જીમમાં તે સમયે લગભગ ૫૦ લોકો કસરત કરી રહ્યા હતા. ગોળી વાગવાથી જીમની અંદર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ હુમલાખોરે બહાર નીકળીને પણ ફાયરિંગ કર્યું હતું, જેમાં અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા.

પોલીસ ઘેરાબંધી અને હુમલાખોરનો અંત

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, FBI અને ATFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આસપાસની શાળાઓમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને રહેવાસીઓને ઘરમાં જ સુરક્ષિત રહેવા સૂચના અપાઈ હતી. ગોળીબાર કર્યા બાદ હુમલાખોર નજીકની એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં છુપાઈ ગયો હતો. પોલીસે તેને આત્મસમર્પણ કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લગભગ એક કલાક બાદ તેણે પોતાને જ ગોળી મારી દીધી હતી, જેમાં તેનું મોત નીપજ્યું હતું.