MVAમાં પણ તિરાડઃ ઉદ્ધવ સેનાનું BMC ચૂંટણી એકલા લડવાનું એલાન

મુંબઈઃ ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડના અહેવાલ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મહાવિકાસ આઘાડીને આંચકો આપ્યો છે. ઉદ્ધવની નજીકના સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે અમારો પક્ષ મહારાષ્ટ્રમાં સ્થાનિક એકમો એટલે કે BMCની આગામી ચૂંટણીઓ એકલા હાથે લડશે. પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ પાર્ટીને સંકેત આપ્યો હતો કે આ વખતે ઉદ્વવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના એકલા હાથે ચૂંટણી લડશે.

શિવસેના (UBT) રાજ્યસભા સાંસદ રાઉતે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે INDIA બ્લોક’ અને ‘મહા વિકાસ આઘાડી’ ગઠબંધન લોકસભા અને વિધાનસભા ચૂંટણી પૂરતું જ છે. ગઠબંધનમાં વ્યક્તિગત પક્ષોના કાર્યકરોને તક મળતી નથી અને આ રાજકીય પક્ષોના સંગઠનાત્મક વિકાસમાં અવરોધ થાય છે. અમે મુંબઈ, થાણે, નાગપુર અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો, જિલ્લા પરિષદો અને પંચાયતોમાં અમારી તાકાતને આધારે ચૂંટણી લડીશું. આ ચૂંટણીઓમાં અમે અમારા કાર્યકરોને તક આપીશું.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં MVA ની કારમી હાર બદલ આરોપ-પ્રત્યારોપમાં સંપડાયેલા કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર પર કટાક્ષ કરતાં રાઉતે કહ્યું હતું  કે જે લોકો સર્વસંમતિ અને સમાધાનમાં માનતા નથી, તેમને ગઠબંધનમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પછી ઇન્ડિયા બ્લોકની એક પણ બેઠક યોજાઈ નથી. અમે ઇન્ડિયા બ્લોક માટે કોઓર્ડિનેટર પણ નિયુક્ત કરી શક્યા નથી. આ સારું ન કહેવાય. ગઠબંધનમાં સૌથી મોટા પક્ષ તરીકે બેઠક બોલાવવાની જવાબદારી કોંગ્રેસની હતી, એમ તેમણે કહ્યું હતું.