નવી દિલ્હીઃ માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતને હાલ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે રાઉત તરફથી દાખલ કરવામાં આવેલા માફીનામાને સ્વીકાર્યું નથી અને તેમને ફરીથી વધુ યોગ્ય સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે કહ્યું હતું કે સંજય રાઉતે માત્ર ઔપચારિકતા ખાતર નહીં, પરંતુ દિલથી માફી માગવી જોઈએ. સુપ્રીમ કોર્ટે પત્રકાર નિખિલ વાગલેનું માફીનામું પણ ફગાવી દીધું છે.
સાંસદ સંજય રાઉતને કોર્ટની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. કોર્ટે તેમની એક સોશિયલ મિડિયા પોસ્ટને લઈને ફટકાર લગાવતાં કહ્યું હતું કે તેમણે જાહેરમાં નિવેદન આપતી વખતે પોતાની જવાબદારી અને મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ. આ મામલાની સુનાવણી દરમિયાન સંજય રાઉત પોતે સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા, જ્યારે પત્રકાર નિખિલ વાગલે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. અરજદાર સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રદીપ રાયે રાઉતના માફીનામાનો વિરોધ કર્યો હતો. પ્રદીપ રાયે દલીલ કરી હતી કે એક તરફ સંજય રાઉત માફી માગી રહ્યા છે, જ્યારે બીજી તરફ સોશિયલ મિડિયા પર એવી પોસ્ટ કરી રહ્યા છે, જેનાથી તેમની માફીની ગંભીરતા સામે સવાલો ઊભા થાય છે. તેમણે અલ્બેનિયાની સુપ્રીમ કોર્ટમાં આગ લાગવાની ઘટનાની તસવીરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સાંસદ તરીકે રાઉતે પોતાનાં જાહેર નિવેદનો અને વર્તનનું પણ ધ્યાન રાખવું જોઈએ.
સંયમ રાખવાની સુપ્રીમ કોર્ટની રાઉતને સલાહ
આ સુનાવણી દરમિયાન જસ્ટિસ કુમારે સંજય રાઉતને તેમના રાજકીય અને પત્રકારત્વના અનુભવની યાદ અપાવી હતી. કોર્ટે કહ્યું હતું કે તેઓ એક અનુભવી રાજકારણી અને સાંસદ છે. તેઓ પોતે પત્રકારત્વ સાથે પણ જોડાયેલા રહ્યા છે અને અદાલત તેમને ઘણી વખત દલીલો કરતાં સાંભળી ચૂકી છે.
8 ડિસેમ્બરે આગામી સુનાવણી
સુપ્રીમ કોર્ટે સંજય રાઉત અને નિખિલ વાગલે બંનેને નવું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 8 ડિસેમ્બરે થશે. અદાલતે બંનેને આગામી સુનાવણી દરમિયાન વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા પણ જણાવ્યું છે.






