નવી દિલ્હીઃ દિલ્હીમાં SIR પ્રક્રિયા અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને અનેક સવાલો પૂછ્યા છે. અદાલતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે લાખો મતદારોને લઈને અપનાવવામાં આવેલી વર્તમાન પ્રક્રિયા પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. કોર્ટે ખાસ કરીને એ બાબતે વાંધો ઉઠાવ્યો કે જે લોકોનાં નામ પહેલેથી જ મતદાર યાદીમાં છે, પરંતુ જેમણે એન્યુમરેશન ફોર્મ જમા કરાવ્યું નથી, તેમને ‘સ્થળાંતરિત’ અથવા ‘ગેરહાજર’ માનીને નવી મતદાર નોંધણી માટે ફોર્મ-6 ભરવાનું કેમ કહેવામાં આવી રહ્યું છે?
આ સુનાવણી દરમિયાન CJI જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કોઈ વ્યક્તિનું અસ્થાયી રૂપે અન્ય સ્થળે જવું એ ‘કાયમી સ્થળાંતર’ ગણાતું નથી. આવા લોકોને નવા મતદાતાની જેમ પ્રક્રિયામાંથી પસાર થવા માટે મજબૂર કરવા યોગ્ય જણાતું નથી.
43 લાખ મતદારો અંગે કોર્ટની ચિંતા
સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આશરે 43 લાખ મતદારોને ‘સ્થળાંતરિત’ અથવા ‘ગેરહાજર’ની શ્રેણીમાં મૂકીને ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર આશરે 31.59 લાખ મતદારોને કાયમી સ્થળાંતરિત અને લગભગ 11 લાખ મતદારોને ગેરહાજર અથવા જેમનું સરનામું શોધી શકાયું નથી તેવી શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. યાચિકાકર્તાઓના જણાવ્યાનુસાર SIR શરૂ થયું ત્યારે દિલ્હીમાં આશરે 1.45 કરોડ મતદારો હતા. તેમાંથી લગભગ 97 લાખ લોકોએ એન્યુમરેશન ફોર્મ જમા કરાવ્યાં હતાં, જ્યારે આશરે 47 લાખ લોકોનાં ફોર્મ જમા થઈ શક્યાં નહોતાં. અદાલતે સવાલ કર્યો કે શું માત્ર ફોર્મ જમા ન કરાવવાના કારણે કોઈ પાત્ર નાગરિકને મતદાર યાદીમાંથી બહાર ગણી શકાય?
હાલમાં ચૂંટણી નથી, તો આટલી ઉતાવળ શા માટે?’
આ સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે હાલમાં દિલ્હીમાં કોઈ ચૂંટણી પ્રસ્તાવિત નથી. આવી સ્થિતિમાં પાત્ર મતદારોને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા અને મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા માટે પૂરતી તક મળવી જોઈએ. અદાલતે ચૂંટણી પંચને કહ્યું કે મતદાર યાદીમાં ફરીથી નામ ઉમેરાવવા માટેની કોઈ અંતિમ તારીખ પર હાલ ભાર મૂકવો જોઈએ નહીં.

ફોર્મ-6 નહીં, એન્યુમરેશન ફોર્મ જ પૂરતું
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જે મતદારોનાં નામ અગાઉથી મતદાર યાદીમાં નોંધાયેલા હતાં અને અસ્થાયી કારણોસર પોતાના સરનામે હાજર નહોતા, પરંતુ ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનાં નામ સામેલ થઈ શક્યાં નથી, તેમના માટે એન્યુમરેશન ફોર્મને પૂરતું માનવું જોઈએ. અદાલતને મતે આવા લોકોને ફરજિયાત રીતે ફોર્મ-6 ભરવાનું કહેવું યોગ્ય નથી.
ચૂંટણી પંચને બે અઠવાડિયામાં જવાબ આપવા આદેશ
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સમગ્ર પ્રક્રિયા અને ઉઠાવવામાં આવેલા સવાલો પર વિચાર કરીને બે અઠવાડિયાની અંદર જવાબ દાખલ કરવા જણાવ્યું.






