રેલ્વેએ રવિવારે કહ્યું કે જેઓ ટિકિટ વિના મુસાફરી કરી રહ્યા હતા તેઓ પણ ઓડિશામાં અકસ્માત પીડિતોમાં સામેલ છે. ટિકિટ વગરના મુસાફરોને પણ વળતર આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ કરવામાં આવશે. રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું હતું કે, “યાત્રીઓ પાસે ટિકિટ હોય કે ન હોય, તેમને વળતર આપવામાં આવશે.” રેલ્વે બોર્ડના ઓપરેશન્સ મેમ્બર જયા વર્મા સિન્હાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા દરેક ઘાયલ મુસાફરની સાથે સ્કાઉટ અથવા ગાઈડ હોય છે, જે તેના નજીકના સંબંધીઓને શોધવામાં મદદ કરે છે.
139 પર પ્રશ્નોના જવાબ આપતા વરિષ્ઠ રેલવે અધિકારીઓ
જયા વર્મા સિન્હાએ કહ્યું કે હેલ્પલાઈન નંબર 139 પર રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે અને શક્ય તેટલા લોકો સાથે જોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. “ઘાયલ અથવા મૃતકોના પરિવારના સભ્યો અમને ફોન કરી શકે છે અને અમે ખાતરી કરીશું કે તેઓ તેમને મળી શકે. અમે તેમની મુસાફરી અને અન્ય ખર્ચાઓનું ધ્યાન રાખીશું,” તેમણે ઉમેર્યું.
‘મૃત્યુના કિસ્સામાં 10 લાખ રૂપિયા’
રેલ્વેએ એમ પણ કહ્યું હતું કે 139 સેવા અવિરત ચાલુ રહેશે અને રેલ્વે મંત્રી દ્વારા જાહેર કરાયેલ એક્સ-ગ્રેશિયાની રકમ – મૃત્યુના કિસ્સામાં રૂ. 10 લાખ, ગંભીર ઇજાઓ માટે રૂ. 2 લાખ અને નાની ઇજાઓ માટે રૂ. 50,000 -ની ખાતરી કરવામાં આવશે.
રેલવેના જણાવ્યા અનુસાર, ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માતના બે દિવસ બાદ અનેક મુસાફરોના પરિવારજનો તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. ઘટનાસ્થળે રાહત બચાવ કાર્ય સતત ચાલુ છે. આ અકસ્માતમાં 1100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.