સાયન્સ સિટી ખાતે ‘સમર સાયન્સ પ્રોગ્રામ-2024’નો પ્રારંભ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે ઉનાળુ વેકેશનને લઈને ખાસ 18 મે થી 31 મે સુધી ‘સમર સાયન્સ પ્રોગ્રામ -2024’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મંગળવારથી શનિવાર એમ સપ્તાહના પાંચ દિવસ સવારના 11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વિવિધ વર્કશોપ્સ યોજવામાં આવશે. જેમાં મોડેલ રોકેટ્રી, મોબાઈલ એપ ડેવલપમેન્ટ, 3-D મોડેલિંગ અને પ્રિન્ટિંગ, મેથ્સ થ્રૂ ઓરિગામી, ફન ફિઝિક્સ, વન્ડર ઓફ કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ મેકિંગ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ટેક્નોલોજી ઓન હોમ ઓટોમેશન, ટેલિસ્કોપ મેકિંગ, ડ્રોન એન્ડ એરોડાયનેમિક્સ જેવા વર્કશોપ્સનો સમાવેશ થાય છે.

18 મેના રોજ આ પ્રોગ્રામનો પ્રારંભ થયો. જે 31 મે સુધી ચાલશે. પ્રોગ્રામના પ્રથમ દિવસ મોડેલ રોકેટ્રી વર્કશોપ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને રોકેટ કઈ રીતે બનાવવામાં આવે છે તે શીખવાડમાં આવ્યું હતું. ગમ, સ્ટીલની પાઈપ અને સીઝરની મદદથી સહભાગી વિદ્યાર્થીઓએ પેપર રોકેટ બનાવ્યા હતા અને પાઈપ તથા બોટલના બનેલા લોન્ચિંગ પેડની મદદથી હવામાં ઉડાવ્યા હતા. મોડેલ રોકેટ્રીના વર્કશોપમાં વિદ્યાર્થીઓને ન્યૂટનના અને બર્નોલીના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા.

વેકેશનની રજાઓ દરમિયાન વિદ્યાર્થીઓ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા વિજ્ઞાનને સરળતાથી સમજી શકે અને કંઈક નવું શીખી શકે તે માટે આ ‘સમર સાયન્સ પ્રોગ્રામ-2024’નું આયોજન કરવામાં આવ્યું છે. 14થી 18 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ આ વર્કશોપ્સમાં વિનામૂલ્યે ભાગ લઈ શકે છે.મહત્વનું છે કે ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.