ચીનના વ્લોગરનો પર્દાફાશ : દિલ્હીના પ્રદૂષણ પરની ડોક્યુમેન્ટરીમાં બાંગ્લાદેશના ફૂટેજ નીકળ્યા

ઢાકા: ચીનના એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા ભારત વિરુદ્ધ ચલાવવામાં આવેલા ખોટા પ્રચારનો મોટો પર્દાફાશ થયો છે. ચીનના લોકપ્રિય પ્લેટફોર્મ ‘ડૌયિન’ (Douyin) પર લિયુ શિયાઓહાઓ (Liu Xiaohao) નામના એક વ્લોગરે નવી દિલ્હીના પ્રદૂષણ, કચરાના ઢગલા અને ગંગા નદી અંગે એક ‘એન્વાયર્નમેન્ટ ડોક્યુમેન્ટરી’ બનાવી હતી. પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે આ વીડિયોમાં દિલ્હી અને ગંગાના નામે જે દ્રશ્યો બતાવવામાં આવ્યા છે, તે વાસ્તવમાં બાંગ્લાદેશના છે.લગભગ પોણા સાત મિનિટના આ વીડિયોમાં દિલ્હીના લેન્ડફિલ સાઇટ્સને વિશાળ કચરાના પર્વતો તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને ગંગા નદીમાં ભારે પ્રદૂષણ હોવાના દાવા કરવામાં આવ્યા હતા. આ વીડિયો દ્વારા ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, અહેવાલો અનુસાર, ચીનના કેટલાક વ્લોગર્સ બાંગ્લાદેશના ઢાકા અને તેની આસપાસના ગરીબ વિસ્તારોમાં રહીને લાઈવ પ્રસારણ કરે છે અને તેને નવી દિલ્હી તરીકે દર્શાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે.

આ મામલો સામે આવ્યા બાદ બાંગ્લાદેશી સુરક્ષા એજન્સીઓ અને પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. ઢાકાના ઉત્તરા અને ટેકપરા જેવા વિસ્તારોમાં પ્રવાસી વિઝા પર આવીને આવી પ્રવૃત્તિઓ કરનાર ચીની નાગરિકો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.