અદાણી પાવરની વિસ્તરણ યોજનાઓને કેન્દ્રની મંજૂરી

અમદાવાદઃ દેશની સૌથી મોટી ખાનગી થર્મલ સ્વતંત્ર પાવર ઉત્પાદક અદાણી પાવર લિમિટેડ (APL) માટે વધુ એક સારા સમાચાર છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC)ની નિષ્ણાત પેનલે અદાણી પાવર લિમિટેડને હાલના થર્મલ પાવર પ્લાન્ટ્સના વિસ્તરણ માટે મંજૂરી આપી છે. આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે ભારત દેશની વધતી જતી ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે આગામી છ વર્ષમાં 90 ગિગાવોટ (GW) વીજઉત્પાદન ક્ષમતા ઉમેરવા માટે હરણ ફાળભરી રહ્યું છે.

દેશની ટોચની વીજમાગ 2032 સુધીમાં 458 GW સુધી પહોંચવાનો અંદાજ છે. જેને પહોંચી વળવા માટે દેશ તેની કુલ વીજઉત્પાદન ક્ષમતાને વર્તમાન 476 GWથી વધારીને 900 GW કરવાની યોજના ધરાવે છે. સરકાર હવે નાણાકીય વર્ષ 2025-26માં 12.86 GW થર્મલ ક્ષમતા ઉમેરવાની અપેક્ષા રાખે છે.

પર્યાવરણ મંત્રાલયની થર્મલ પ્લાન્ટ્સ પરની નિષ્ણાત મૂલ્યાંકન સમિતિ (EAC) એકોરબાના 600 મેગાવોટના લેન્કો અમર કંટક પાવર પ્લાન્ટના વિસ્તરણ સાથે આગળ વધવાની ભલામણ કરી હતી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ પ્લાન્ટ અદાણી ગ્રુપ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો. અદાણી પાવર લિમિટેડ આ પ્લાન્ટને વધારાની 1320 MW (660 MW x 2) ક્ષમતા સાથે વિસ્તૃત કરી રહી છે. કંપની નાણાકીય વર્ષ 2032 સુધીમાં 13.12 GW થર્મલક્ષમતા ઉમેરીને 30.67 GW સુધી પહોંચવાની યોજના ધરાવે છે, જે હાલમાં 17.5 GW છે.

EACની બેઠકમાં વિસ્તરણ માટે પ્રસ્તાવિત છ થર્મલ પાવર પ્લાન્ટની સમીક્ષામાં અન્ય ત્રણ કંપનીઓના પ્રોજેક્ટ, નિષ્ણાત પેનલ તરફથી પર્યાવરણીય મંજૂરી મેળવવામાં નિષ્ફળ ગયા હતા. અમદાવાદસ્થિત અદાણી પાવર લિમિટેડ (APL) ક્ષમતા વિસ્તરણના પ્રયાસોને સતત વેગ આપી રહી છે. ભારતની વધતી જતી વીજમાંગને જોતા 2030 સુધીમાં સરકારે 400 ગીગાવોટ પાવર જનરેશન કરવાનું લક્ષ્ય રાખ્યું છે.જેમાંથી 300 ગીગા વોટ થર્મલપાવર પ્લાન્ટમાંથી પેદા થશે. આગામી 5-6વર્ષોમાં તે 80-90 GW  થર્મલક્ષમતા ઉમેરવાની જરૂર પડશે.